જેમ પાણી મીઠું નાંખવાથી “ખારું’, લીંબું નાંખવાથી “ખાટું’ અને સાકર નાંખવાથી “મીઠું’ બને છે અને કશું ન નાંખવાથી એ જે છે, એ જ સહજતા એની સ્પર્શાય છે,
તેમ આત્મા પણ કર્મોદયથી મિશ્રિતરૂપે રાગી, દ્વેષી, મોહી દેખાય. વેદોદયથી મિશ્રિતરૂપે સ્ત્રી, પુરુષ, નપુંસક દેખાય. ગતિની દૃષ્ટિએ દેવ, મનુષ્ય, તિર્યચ, નારકી. શરીરની દૃષ્ટિએ ગોરો, કાળો, લાંબો, ટૂંકો. પરિવારના સંબંધે તે પિતા, પુત્ર, પતિ, પત્ની છે. પ્રાણના સંપર્કે એના જન્મ, જીવન, મૃત્યુ છે
પણ, કોઈ સંપર્ક વિના, કોઈ સંબંધ વિના, કોઈ મિશ્રણ વિના આત્મા જે છે, એ જ જોવામાં આવે તો તે અકર્મી છે, અવેદી છે, અમર છે, નિર્મલ છે, સ્વચ્છ છે, શુદ્ધ છે. ઉપાધિમુક્ત શુદ્ધ અસ્તિત્વનો આદર એ જ સાધનાની સાચી શરૂઆત છે. આ દૃષ્ટિએ સંપૂર્ણ જીવસૃષ્ટિમાં નથી કોઈ વિલક્ષણતા, નથી કોઈ તરતમતા. તેમાં કેવળ “ઊઉંજ્ઞ અળ્રૂળ’ નો દિવ્યનાદ છે. “દરેક જીવાત્મામાં પરમાત્મા’ હોવાનો શંખનાદ છે. “અબ હમ અમર ભયે ન મરેંગે’નો ઘંટનાદ છે. “નાસી જાસી હમ થિરવાસી’નો અનાહતનાદ છે.
જેનું અસ્તિત્વ સ્વયંભૂ છે, તે “સ્વભાવઃ’
બીજાના જોડાણથી જે જન્મે તે “વિભાવઃ’
સ્ફટીકમાં સફેદપણું કે ઉજ્જ્વલપણું-બીજા કોઈની આધીનતા વિના સ્વયંભૂ રીતે રહેલ છે. માટે શ્વેત કે ઉજ્જ્વળતા એ એનો સ્વભાવ છે… અને તેની પાસે લાલ, લીલું કે પીળું કપડું મૂકવામાં આવે ત્યારે તેમાં લાલાશ, લીલાશ કે પીળાશ જોવા મળે છે. આ રંગો સ્ફટીકમાં સ્વયંભૂ નથી, પણ બીજાના જોડાણથી જન્મ્યા છે. માટે તે સ્વભાવ નથી, વિભાવ છે.
સ્વભાવને લઈને સ્ફટીકને મૂલવીએ તો બધા સ્ફટીક એક સરખા દેખાય. કારણ કે, સફેદાઈ કે ઉજ્જ્વળતા બધામાં સમાન છે. જ્યારે વિભાવને લઈને સ્ફટીકને મૂલવીએ તો બધા સ્ફટીક જુદા જુદા દેખાય. કારણ કે, તેની પાસે રહેલું કપડું જુદું જુદું હોવાથી એની છાયા તરીકે અસ્તિત્વમાં આવેલ લાલ-લીલા વગેરે રંગ પણ જુદા-જુદા અને તેથી જ સ્ફટીક પણ જુદું-જુદું દેખાય અને તે બાબતે જુદી-જુદી અનેક કલ્પનાઓ પણ નિર્માણ થાય.
તાત્પર્ય સ્પષ્ટ છે કે : જ્યાં એકતા છે, સમાનતા છે, ત્યાં કોઈ વિકલ્પો નથી. કારણ કે,
વિકલ્પો ઉઠવા માટે જૂદી જૂદી ચોઈસ જ મળતી નથી પણ જ્યાં અનેકતા છે, અસમાનતા છે, જૂદા-જૂદાપણું છે, ત્યાં અનેક વિકલ્પો છે, અનેક મતો છે, અનેક અભિગમો છે, અનેક અભિપ્રાયો છે, સારા-નરસા હોવા અંગે અનેક પક્ષો પણ છે.
અને તેથી જ જ્યાં વૈવિધ્ય છે, ત્યાં વૈવિધ્ય નથી, ત્યાં મતભેદ છે, સંઘર્ષ છે, કોલાહલ છે. આ જ અસમત્વનો દુર્ઘોષ છે. જ્યાં વૈવિધ્ય નથી ત્યાં વિવાદ નથી, વિકલ્પ નથી, વિપક્ષ નથી. ત્યાં છે કેવળ નિર્વિવાદિતા, નિર્વિકલ્પતા, નિષ્પક્ષતા અને નિરાંતનો અનુભવ અને આ જ છે સમત્વનો પરમ અનુભવ.
તેથી આ સનાતન સત્ય યાદ રાખવા જેવું છે કે સ્વભાવ તરફ ઝૂકીએ તો સમત્વભાવ પ્રગટે અને વિભાવ તરફ વળીએ તો અસમત્વભાવ જન્મે. એટલે પોતાની શુદ્ધ હયાતિ તરફ વળવું એ જ જીવની મહત્વપૂર્ણ સાધના છે, એ જ જીવનો તાત્ત્વિક મોક્ષમાર્ગ છે, એ જ જીવનો યથાર્થ આત્મધર્મ છે.
પણ, જીવે અત્યાર સુધી જે કર્યુ તે પોતાના માટે ન કર્યુ, બીજા માટે કર્યુ. આત્મા માટે ન કર્યુ, અનાત્મ ચીજ માટે કર્યુ. જેમ કે ધંધો પૈસા માટે, પૈસા અનુકૂળતા માટે, અનુકૂળતા શરીરાદિ માટે, પત્ની-પુત્ર વગેરે પારિવારિક સંયોગ પણ સ્નેહ કે કામાદિની લાગણીઓ માટે, જ્ઞાન પણ અહંકાર માટે, ત્યાગ પણ પ્રશંસા માટે. બધું જ બીજા માટે.
બીજા માટે કરીને પરિશ્રમ ઉઠાવ્યો, પણ પરિણામક્ષેત્રે પોતાને કશું જ મળ્યું નહીં. અહંકાર કે લોકૈષણા વગેરે લાગણી જોડે એકત્વ બાંધીને તેના પ્રવાહમાં જીવ તણાતો રહ્યો અને પછી જે કરતો રહ્યો, તેનાથી બધું બીજાને જ મળતું રહ્યું, પોતાને કશું મળ્યું નહીં.
ઈચ્છાઓ, લાગણીઓ, સંવેદનાઓ કે શરીરાદિ હૃષ્ટ-પુષ્ટ થયા, પણ સ્વયં પોતે તરસ્યો જ રહ્યો, કારણકે પોતાની જરૂરિયાત કાયમ અધૂરી જ રહી. ક્યારેય પૂરી થઈ નહીં. આ જ તેની મૂર્ખતા છે, આ જ તેનો મિથ્યાધર્મ છે, આ જ તેનું પરિભ્રમણ છે.
મોક્ષમાર્ગના ઉપાયરૂપ તપ-ત્યાગ-સ્વાધ્યાય-વૈયાવૃત્ત્ય વગેરે સાધન પણ પોતા માટે કે પોતાને પામવાના લક્ષ્ય સાથે સેવાય તો તે “સાધના’ બને, નહીં તો તે ય કેવળ “સાધન’ રહે છે અને જો ભવિષ્યમાં પણ એના આલંબને લક્ષ્યનું અનુસંધાન ન કેળવાય કે કેળવવાની દિશા પણ ન સ્પર્શાય, તો તે “સાધન’ પણ ન રહે અને જો એનાથી બીજા લક્ષ્ય કે બીજા પ્રયોજનો જ હાંસલ કરાય, સાધનાનું મૂળભૂત લક્ષ્ય બાજુ પર રહી જાય, તો તે સ્વરૂપથી ધર્મનું આલંબન હોય તો પણ પાત્રતા કે પરિણતિવશાત્ તે તે જીવો માટે તે મિથ્યાધર્મ જ થઈ જાય અને લોકોત્તર ધર્મ લૌકિક ધર્મની તુલનાએ મૂકાવાથી ધર્મની આશાતના પણ થાય..
તેથી આટલી સ્પષ્ટતા જરૂરી છે કે :
- પોતે બીજા માટે કરવું તે “અધર્મ’ છે.
- પોતે પોતા માટે કરવું તે “ધર્મ’ છે.
- પોતાની ઉપાધિમુક્ત શુદ્ધ હયાતિને અનુભવવી તે “મોક્ષ’ છે.
- અને એ માટે નિમિત્તોની ઉપાસના સાથે ઉપાદાનની જાગૃતિ કેળવવી, તે “મોક્ષમાર્ગ’ છે.
તેથી, પર તરફ વળેલો અને એના કારણે વિકૃત અસ્તિત્વ પામેલો આત્મા એ જ “બહિરાત્મા’
છે અને સ્વ તરફ વળેલો અને એના કારણે અવિકૃત સહજ પરિણતિને વરેલો આત્મા એ જ “પરમાત્મા’ છે. આવું પરમાત્મપણું વ્યવહારથી પામીએ ને નિશ્ચયથી પ્રગટાવીએ એ જ લક્ષ્ય સાથે યાત્રામાં આગળ વધવા પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આપેલું સાધનાસૂત્ર સુંદર માર્ગદર્શન આપે છે :
शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम।
नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्रमुल्बणम्।।
“હું કેવળ શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધ જ્ઞાનગુણ એ જ કેવળ મારું છે. હું બીજો કોઈ નથી અને મારા બીજા કોઈ નથી. આ મંત્ર મોહનું મર્મવેધી અસ્ત્ર છે.’ (જ્ઞાનસાર-4/2)