Now Reading
Prastavikam

Prastavikam

“લોક’ પરપદાર્થરૂપ છે, તેથી સ્વપદાર્થ એ જ લોકોત્તર છે. અશુભ તો પર છે જ, શુભ પણ પર છે. અને એ પર છે તે અપેક્ષાએ લૌકિક છે. અલૌકિક તો કેવળ શુદ્ધ આત્મા છે. નિરાલંબનના લક્ષ્યે પકડાયેલું સાલંબન ધ્યાન શુભ છે, પણ સાલંબનમાંથી નિરાલંબનમાં સંક્રાંત થતી ચેતના માટે સમસ્ત આલંબન પર છે.

નિશ્ચયના લક્ષ્યે પકડાયેલો વ્યવહાર શુભ છે, પણ નિશ્ચયમાં સ્થિર થતા અધ્યવસાયો માટે વ્યવહાર પર છે.

આત્મેતર હોવા સાથે જે આત્મપરિણતિ માટે નિમિત્ત છે, તેવા દેવગુરુ આદિ આલંબનો અને મનવચનકાયાની ક્રિયા રૂપ અનુષ્ઠાનો, એ સર્વેમાં શુભત્વ અને પરત્વ બંને રહેલા છે.

શુદ્ધત્વ અને સ્વત્વ કેવળ નિજાત્મામાં છે. નિજાત્મામાં રહેલ શુદ્ધત્વ અને સ્વત્વની અનુભૂતિ માટે જે નિમિત્ત બને છે, તેને જ (પર હોવા છતાં) શુભ કહેવાય છે.

તેથી, સાધકે આલંબન કે અનુષ્ઠાનોના શુભત્વને ક્યારે પ્રાધાન્ય આપવું અને ક્યારે પરત્વને પ્રાધાન્ય આપવું તેનો બોધ હોવો અનિવાર્ય છે.

અને તે બોધ સદ્ગુરુના સત્સંગથી નિજાત્માના નિગમથી અવગાહ્ય છે.

શુભત્વને પ્રાધાન્ય આપવાના સમયે જે જીવ આલંબન કે અનુષ્ઠાનોમાં પરત્વ જુએ છે, તે પતન પામે છે. ચેતના જ્યાં સુધી વિષયકષાયથી પ્રભાવિત છે, ત્યાં સુધી શુભત્વને પ્રાધાન્ય આપવું જરૂરી છે.

શુભત્વને પ્રાધાન્ય આપવાથી આજ્ઞાબદ્ધતા આવે, તેનાથી ઉપયોગની ચંચળતા ઘટે,3 લક્ષ્યાભિખુતા જળવાઈ રહે. અને વીર્ય સત્પરિણમન માટે કાબેલ થાય…

હા માત્ર એટલી જાગૃતિ જોઈએ કે, આલંબનાદિ અંતિમ સાધ્ય નથી. નિશ્ચયની જાણ થવા માત્રથી, આલંબનો પ્રત્યે પરત્વને પ્રાધાન્ય આપવા તરફ ઢળાણ હોય, તો તે પણ અનાદિકાલીન અહંકારની જ એક નૂતન પ્રકારે અભિવ્યક્તિ છે.

ઘણા સાધકો આ સમસ્યાથી પીડિત છે, તેથી જ ઘણું જ્ઞાન (?) હોવા છતાં અજ્ઞાનમાં જ રમે છે.

એ જ રીત

આત્મલક્ષ્યે આચારબદ્ધ થવાથી જ્યારે ચિત્તની ચંચળતા મંદ મંદતર થઈ હોય, વિષયકષાયના નિમિત્તોથી દૂર રહેવાનો અભ્યાસ જ્યારે ચિત્તશાંતિને જન્મ આપી ચૂકી હોય, ત્યારે આલંબનો કે અનુષ્ઠાનોના પરત્વને પ્રાધાન્ય આપવું (ને માત્ર આત્માનુભવને મહત્ત્વનું ગણવું) જરૂરી છે.  પરત્વને પ્રાધાન્ય આપવાથી આલંબન કે અનુષ્ઠાનો વ્યવહારમાંથી અદૃશ્ય થતા નથી, રહે છે, પણ એ સાક્ષીભાવનો વિષય બની જાય છે.

પરત્વને પ્રાધાન્ય આપવાના સમયે જે શુભત્વને જ પ્રાધાન્ય આપે છે, તેનો આધ્યાત્મિક વિકાસ અટકી જાય છે. વિકલ્પોનો અભ્યાસ મટતો નથી. શુભના માધ્યમે પણ પુદ્ગલાનુભૂતિ રૂપ મિથ્યાત્વને જ વેદે છે. આજ્ઞા પોતાના પ્રતિફલન સુધી નથી પહોંચી શકતી.

આ સ્થિતિમાં લક્ષ્યબદ્ધતા વિનાની આજ્ઞાબદ્ધતા આજ્ઞાભંજન રૂપ જ બની જાય છે.

ક્રિયામાં કુશળતા હોવા માત્રથી જે આલંબનો કે અનુષ્ઠાનોને લઈને ધાર્મિક હોવાનું અહંપણું આદરે છે, તે પણ મોહનીય કર્મથી સંચાલિત ભાવમનની જાળમાં જ ફસાય છે.

અલબત્ત, પંચમકાળના જીવોના પરિણામો ચંચળ વધુ હોવાથી, જીવનમાં વધુ સમય શુભત્વને પ્રધાન ગણવું વ્યાજબી છે.

ચંચળતા ઘટે કે મટે તેવો સમય અલ્પ છે, તેથી જીવનમાં તેવો સમય આવતાં શુભાશુભ સર્વ પરવસ્તુના પરત્વને પ્રધાન કરી ઉદાસીન ભાવમાં આવવું, આત્મસ્થિત આત્મમગ્ન થવું, તે જીવનનું પરમકર્તવ્ય છે.

એ પરમકર્તવ્યની પરોઢનું આતિથ્ય કરે છે પરાવાણી.

પરાવાણીમાં લખાયેલા કેટલાક લેખોમાં આલંબન કે અનુષ્ઠાનોના શુભત્વને વજન આપ્યું હશે, ત્યાં એમ ન વિચારવું કે આ નિશ્ચયની વાત નથી. કેમ કે એ વાત નિશ્ચયની ભૂમિકાને જ દૃઢ કરે છે, અને કોઈ ઠેકાણે આલંબનાદિની ગૌણતા પણ અખરશે, ત્યાં એમ ન વિચારવું કે આમાં વ્યવહારની વાત જ નથી, કેમ કે તે વાત વ્યવહારના પરિપક્વ ફળની જ અભિસ્તુતિ છે.


૧. તુરગ ચડી જિમ પામિયેજી વેગેપુરનો પંથ; 
માર્ગ તિમ શિવનો લહેજી વ્યવહારે નિર્ગ્રથ.
મહેલ ચઢંતા જિમ નહીજી તેહ તુરંગનું કાજ;
સફળ નહીં નિશ્ચય લહેજી તેમ તનુકિરિયા સાજ.
125 ગાથાનું સ્તવન. 56, 57.

૨. આલંબન વિણ જિમ પડેજી, પામી વિષમી વાટ;
મુગ્ધ પડે ભવકૂપમાંજી તિમ વિણ કિરિયા ઘાટ.
એજ - 60 મહોપાધ્યાય

૩. ઉચિત વ્યવહાર અવલંબને એમ કરી સ્થિર પરિણામ
રે... ચેતન જ્ઞાન સજ્ઝાય... 23

૪. શુભ અશુભ વસ્તુ સંકલ્પથી ધરે જે નટ માયા,
તે ટળે સહજ સુખ અનુભવે પ્રભુ આતમ રાયા || 125 ગાથાનું સ્તવન - 43
જિહાં લગે આતમદ્રવ્યનું લક્ષણ નવિ જાણ્યું,
તિહાં લગે ગુણઠાણું ભલું,
કેમ આવે તાણ્યું એ જ - 22

૫. તિમ તિમ જિનશાસનનો વયરી જો નવિ નિશ્ચયે ઠરિયોજી.
350 ગાથાનું સ્તવન - 15
 અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનુમલ તોલે,
મમકારાદિક યોગથી ઇમ જ્ઞાની બોલે. 150 ગાથાનું સ્તવન - 33

૬. અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનુમલ તોલે,
મમકારાદિક યોગથી ઇમ જ્ઞાની બોલે. 150 ગાથાનું સ્તવન - 33

૭. આતમરામ અનુભવ ભજો તજો પરતણી માયા,
એહ છે સાર જિનવચનનો વળી એહ શિવછાયા - એ જ - 4 મહોપાધ્યાય યશોવિજયજી મ.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: