Now Reading
Karta Aane Kriya

Karta Aane Kriya

સામાન્યથી જોવામાં આવે છે કે કોઈ પણ વાક્ય હોય, તેમાં બે વસ્તુઓ ઉલ્લેખિત અવશ્ય હોય છે :

  • કર્તા
  • ક્રિયા

દા.ત. રમેશ જાણે છે.
શું થાય છે? જાણવાની ક્રિયા થાય છે તેથી “જાણવું’ ક્રિયા છે. આ જાણવાની ક્રિયા કોણ કરે છે અથવા જાણવાની ક્રિયા કરનાર કોણ છે? અથવા કર્તા કોણ છે? તો કે રમેશ જાણવાની ક્રિયા કરનાર છે અથવા જાણવાની ક્રિયાનો કર્તા છે. બસ, કર્તા અને ક્રિયા – આમ આ બે વસ્તુના ઉલ્લેખથી વાક્યની પૂર્ણતા થાય છે. આ બન્નેમાંથી કોઈ એક વસ્તુનો ઉલ્લેખ ન થાય, તો વાક્ય અધુરું રહે છે. હા, આ વાક્યમાં જો વધારે માહિતીઓ મળે તો વાક્ય વધારે સ્પષ્ટ બોધ કરાવનાર બને છે. રમેશ શું જાણે છે? શેના દ્વારા અથવા શેનાથી (કરણ) જાણે છે? શા માટે (સંપ્રદાન) જાણે છે? વગેરે. જેમ જેમ જ્યારે જાણવા મળે, તેમ-તેમ વધારે સ્પષ્ટ બોધ થતો જાય, પરંતુ કદાચ આ બધાનો ઉલ્લેખ ન થયો હોય અને માત્ર કર્તા તથા ક્રિયાનો ઉલ્લેખ થયો હોય, તો તેનાથી વાક્યની પૂર્ણતા થઈ જાય છે. તેથી કોઈ પણ વાક્યમાં કર્તા અને ક્રિયાનો ઉલ્લેખ આવશ્યક છે. કર્તા એટલે આત્મા.

હવે આગળ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે મહત્ત્વ કોનું વધારે? કર્તાનું કે ક્રિયાનું? અથવા પ્રશ્ન બીજી રીતે વિચારીએ તો કર્તાનાં આધારે ક્રિયા હોય કે ક્રિયાનાં આધારે કર્તા હોય?

જવાબ : કર્તાનાં આધારે ક્રિયા હોય છે, કારણકે ક્રિયા જ્યારે નથી ત્યારે પણ આત્માની સ્વતંત્રપણે હાજરી હોય છે, પરંતુ જો કર્તા એવા આત્માની હાજરી ન હોય તો કોઈ પણ ક્રિયા થશે ક્યાં? અથવા કોના આધારે થશે? એટલે નક્કી થયું કે અપેક્ષાએ કર્તાનું મહત્ત્વ ક્રિયા કરતાં વધારે છે. કર્તાનો મહિમા બતાવવા માટે આ વાત છે, પરંતુ ક્રિયાનો મહિમા ઘટાડવા કે તોડવા માટે આ વાત નથી. ક્રિયાનું મહત્ત્વ એની મર્યાદામાં સ્વીકારવામાં આવે જ છે.

કર્તાનાં આધારે ક્રિયા હોવાથી, કર્તાની અગત્યતા અપેક્ષાએ ક્રિયા કરતાં વધી જાય છે, તો તેથી કર્તા એવા આત્માની જેટલી-જેવી સ્પષ્ટતા હશે, તેટલી તેવી ક્રિયાની સ્પષ્ટતા થશે અને જો કર્તાની સ્પષ્ટતા નથી, તો ક્રિયાની સ્પષ્ટતા કેટલી અને કેવી થશે?

દા.ત. : વ્યવહારની દૃષ્ટિએ જો વ્યક્તિને પોતે પુરુષ છે કે સ્ત્રી છે, તેની સ્પષ્ટતા હશે તો પુરુષપણાને કે સ્ત્રીપણાને શોભે (પ્રાયોગ્ય) એવી ક્રિયાની સ્પષ્ટતા બને, તે સિવાય ન બને.

તો આત્મા પાસે (જ્ઞાનમાં) જેટલી આત્મા અને આત્માનાં સ્વભાવની સ્પષ્ટતા થશે, તેટલી આત્માની કોઈ પણ ક્રિયાની સ્પષ્ટતા બનશે.

અહીં જોઈશે આત્મા અને આત્માનાં સ્વભાવનો યથાર્થ બોધ. યથાર્થ બોધ પછી જોઈશે તેનો હૃદયથી પૂર્ણ સ્વીકાર. સ્વીકાર પછી આવશ્યક છે અંતરાત્માથી પૂર્ણ શ્રદ્ધા કે નિર્ણય. ત્યાર બાદ જોઈશે પ્રતિક્ષણની જાગૃતિ અને તત્પશ્ચાત્ જોઈશે તે જાગૃતિપૂર્વકની ક્રિયા. આ ક્રમથી પ્રાપ્ત થયેલ ક્રિયા જ સ્પષ્ટ અને વાસ્તવિક ક્રિયા બને છે.

આ વાતને જો થોડી વધારે સ્પષ્ટતાએ સમજવી હોય તો કહી શકાય કે કર્તા એવા આત્મા અને આત્માનાં સ્વભાવનાં બોધ અને શ્રદ્ધાની સ્પષ્ટતા એટલે આત્મા સંબંધી જ્ઞાન તથા દર્શનની સ્પષ્ટતા. તે શ્રદ્ધાની જાગૃતિપૂર્વકની ક્રિયાની સ્પષ્ટતા એટલે ચારિત્રની સ્પષ્ટતા થઈ કહેવાશે. આ રીતે જીવ પ્રવર્તે તો રત્નત્રયમય જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ જિનશાસનમાં પરિપૂર્ણ મોક્ષમાર્ગની સ્પષ્ટતા થઈ કહેવાશે. सम्यग् दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः

વર્તમાનમાં આપણે ત્યાં માત્ર ક્રિયા ઉપરનો ભાર ખૂબ વધ્યો છે, તેથી ક્રિયાધર્મ પણ વધ્યો છે. આ ખૂબ જ ઉત્તમ વાત છે, પરંતુ એમાં જો તે-તે ક્રિયા કરનાર કર્તા તથા તેનાં સ્વભાવની જાગૃતિ ભળી જાય, તો અલ્પકાળમાં તથા અલ્પપ્રયાસે કાર્યની સિદ્ધિ નિશ્ચિત થઈ જાય.

આ જ વાતને મોહનીય કર્મનાં દૃષ્ટિકોણથી સમજીએ. “હું’ કોણ છું? “મારૂં’ શું કે કોણ છે? “હું’ કોનો “કર્તા’ છું? “હું’ શેનો “ભોક્તા’ છું? આ રીતે “હું’ એટલે કર્તા એવા આત્મા તથા આત્માનાં સ્વભાવની સ્પષ્ટતા કરવી, એટલે દર્શન-મોહનીય કર્મની સ્પષ્ટતા કરવી, જેનાથી મિથ્યાત્વ ઓગળે. આ જાગૃતિપૂર્વક ક્રિયાની સ્પષ્ટતા કરવી એટલે દર્શન મોહનીયનાં ક્ષયોપશમપૂર્વક ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ કરવો એટલે રાગ-દ્વેષને ઓગાળવા. આ રીતે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ કરવો એટલે સર્વ કર્મોનાં રાજા એવા મોહનીય કર્મનો ક્ષયોપશમ થશે અને આગળ જતાં ક્ષય થશે. મોહનીય કર્મનો ક્ષય એટલે આંતરિક ભાવસંસારનો ક્ષય થઈ જાય છે, તેનાથી ત્યારબાદ બાકીનાં ત્રણ ઘાતી કર્મ (જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય કર્મ)નો ક્ષય થઈ જ જાય છે. ભલે પછી અઘાતી કર્મનાં ઉદયસ્વરૂપ બાહ્ય દ્રવ્યસંગ્રહ રહેશે – જે આત્માનું અલ્પાંશે પણ અહિત કરનાર નથી અને જે જાતે પોતાના કાળે ક્ષય પામી જશે. આનો અર્થ એ થયો કે કર્તાની પૂર્ણ જાગૃતિમાં રહીને થતી ક્રિયા આત્માના આંતરિક ભાવસંસારને કાપીને આંતરિક મોક્ષમાર્ગરૂપે સિદ્ધ થાય છે, જે ઉત્તરોત્તર આત્મવિકાસની યાત્રામાં આત્માને આગળ વધારે છે.

જિહાં લગે આત્મ દ્રવ્યનું, લક્ષણ નવી જાણ્યું;
તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું.

– 125 ગાથાનું સ્તવન ઢાળ-3, ગાથા-1.

હજી આગળ વધીને એમ કહી શકાશે કે કર્તા એવો આત્મા જો પોતાના આત્મા તથા આત્માનાં સ્વભાવની જાગૃતિપૂર્વક પ્રવર્તે, તો સંજોગવશાત્-કારણવશાત્-કર્મોદયવશાત્ જો કદાચ સંસાર તથા સંસારની ક્રિયામાં પ્રવર્તે છે અને પોતાના આત્માની સાક્ષીએ પ્રામાણિકતાએ અંતરાત્મામાં પ્રભુએ બતાવેલ ત્યાગ-વૈરાગ્ય-સંયમ-અપ્રમત્તતા સ્વરૂપ મોક્ષમાર્ગનો પૂર્ણ પક્ષપાત ને આદર ધારણ કરતો હોય, તો તે સંસારમાં હોવા છતાં – સંસારની ક્રિયામાં વર્તતો હોવા છતાં તેનો આત્મવિકાસ અવિરતપણે ચાલુ રહે છે કે જે તેને પરમપદ સુધી પહોંચાડનાર બને છે. દા.ત. ભરત ચક્રવર્તી, પૃથ્વીચંદ્ર, ગુણસાગર વગેરે. પરંતુ આવું નથી, એટલે કે કર્તા એવો આત્મા પોતાના આત્મા આત્માના બોધ-શ્રદ્ધા-જાગૃતિમાં વળ્યા વિના, માત્ર બાહ્ય શુદ્ધ ક્રિયામાં પ્રવર્તે તે, તે તેની ક્રિયા માત્ર પૂણ્યનો બંધ કરાવીને સદ્ગતિ અપાવીને રવાના થઈ જાય છે. દા.ત. અભવ્ય, ગાઢ મિથ્યાત્વીની શુભ ક્રિયા વગેરે. હા, જો જીવની એવી સમજ નથી, ભૂમિકા કે ઉંમર આદિથી તૈયારી નથી તો એવા જીવે પણ શુભ ક્રિયા તો અવશ્ય કરવી જ કારણકે તેમાંથી થનાર પુણ્યબંધ અને પુણ્યનાં ઉદયથી તે જીવને તરવાની સામગ્રીરૂપ દેવ-ગુરુ-ધર્મ-જિનવાણી શ્રવણ-કલ્યાણમિત્ર યોગ આદિ પ્રાપ્ત થશે કે જેનાથી તે સમયે તેની યોગ્યતા-પાત્રતા વિકસિત થયા હશે, તો કાર્ય સહેલાઈથી-સરળતાથી થઈ શકશે અથવા આવી સામગ્રીથી યોગ્યતા-પાત્રતા વિકસી શકે અને તેનાથી તે આત્મવિકાસની યાત્રામાં આગળ વધી શકે, તેથી શુભ ક્રિયા તો કોઈપણ પરિસ્થિતિમાં ઉપાદેય-આવકાર્ય છે.

તો સાથે આ પણ પરમ સત્યને સ્વીકારવું રહ્યું કે આત્મા અને આત્માના સ્વભાવની માત્ર બાહ્ય સ્થૂલ જાગૃતિમાં રહીને પ્રભુએ બતાવેલ ત્યાગ-વૈરાગ્ય-સંયમ-અપ્રમત્તતા સ્વરૂપ મોક્ષમાર્ગ તથા તેની ક્રિયાની, વગર કોઈ પ્રામાણિક કારણે ઉપેક્ષા કરે છે, તો તે જીવ પોતાની સાથે આત્મવંચના કરીને પોતાના આત્માનું ભયંકર અહિત કરનાર છે.

દા.ત. વ્યવહારની ઉપેક્ષા કરનાર નિશ્ચય આભાસી જીવ.

બસ, તેથી સારાંશ એ પ્રાપ્ત થાય છે કે આત્મા અને આત્માના સ્વભાવની પૂર્ણ જાગૃતિપૂર્વક આત્માની સાક્ષીએ પ્રામાણિકતાએ પ્રભુએ બતાવેલ ત્યાગ-વૈરાગ્ય-આદિ મોક્ષમાર્ગનો પક્ષપાત તથા શક્યતયા આચરણપૂર્વક વર્તવું તથા તે સિવાયની સર્વ પરિસ્થિતિઓમાં જાગૃતિપૂર્વક પ્રવર્તવાથી આત્મવિકાસના માર્ગે આગળ વધવું અને અંતે સ્વ-સ્વરૂપ અને સ્વરૂપ આનંદનો અનુભવ કરીને પરમપદને પ્રાપ્ત કરવું.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: