Now Reading
Parapravesh

Parapravesh

સદગુરુ મૌન હોય, ત્યારે પણ સદગુરુત્વ બોલતું હોય છે. ઉૈંઞળરુટ ટણ્મરુપરુટ ઉંર્ૂ્યીં જેમનું અસ્તિત્વ જ તત્ત્વોદ્ગાર સ્વરૂપ હોય, એમનું નામ ગુરુ.

ગુરુ કાંઈ કહેતા નથી એ આપણી ખરી તકલીફ નથી, આપણે કાંઈ સાંભળતા નથી એ આપણી ખરી તકલીફ છે. બહેરાશ છે ત્યાં સુધી જ સંસાર છે, બહેરાશ મટે છે, ત્યારે સંસાર મટી જાય છે. સાંભળતા હોવું, સાંભળવાની ઈચ્છા હોવી, સાંભળતા ન હોવું, સાંભળી શકતા ન હોવું ને સાંભળવું જ ન હોવું, આમાં આપણે ક્યાં છીએ? સાંભળે છે એમનો મોક્ષ થશે, સાંભળ્યું છે એમનો ય મોક્ષ થશે, બાકીના સંસારમાં ભટકતા રહેશે.

પાણી નથી મળતું માટે આપણે તરસ્યા છીએ એવું નથી, સદ્ગુરુનો કળશ તો અનાદિકાળથી રેડાઈ રહ્યો છે, આપણા તરસ્યા હોવાનું કારણ તો એટલું જ છે, કે આપણે હજી ખોબો જ ધર્યો નથી, ને હજી કદાચ આપણે ખોબો ધરવો પણ નથી.

આપણે ખોબો ધર્યો ટી.વી. કે ફોનને, આપણે ખોબો ધર્યો વિજાતીયને, આપણે ખોબો ધર્યો પૈસાને, આપણે ખોબો ધર્યો દુન્યવી વિષયોને… કદાચ એમાંથી કાંઈ મળ્યું, તો ય આપણે તો ખાલી જ રહ્યા, ના, બલ્કે દુઃખોથી ભરાઈ ગયા.

જે સદ્ગુરુની પાસે ખોબો માંડતા નથી, એમને પરમાધામી પાસે ખોબો માંડવો પડે છે. જેને સદ્ગુરુની વાણીનું પાન નથી કરવું, એને ઉકળતા તાંબાસીસાના રસનું પાન કરવું પડે છે.

સુશિષ્ય એ છે જેનું પ્રત્યેક રોમછિદ્ર કર્ણછિદ્ર બની ગયું છે. જેનો પ્રત્યેક આત્મપ્રદેશ સતત સકર્ણ બનેલો હોય, જેનો પ્રત્યેક શ્વાસ સદ્ગુરુના ઉદ્ગારોનો ખોબો બની રહેતો હોય, સદ્ગુરુનું શબ્દબ્રહ્મ જેના આત્મામાં પરમ બ્રહ્મને પ્રગટ કરવા માટે સતત કાર્યશીલ હોય, એનું નામ સુશિષ્ય.

પરમ પાવન શ્રી દશવૈકાલિક આગમ કહે છે.

सोच्चा जाणइ कल्लाणं

સાંભળી કલ્યાણને જાણે છે.

આનો નૈશ્ચયિક અર્થ થશે – શ્રવણ એ જ કલ્યાણ.

મોક્ષયાત્રામાં કાન એ જ પગનું કામ કરે છે. તમારી પાસે પગ નહીં હોય તો ય તમે મોક્ષે પહોંચી જશો, પણ તમારી પાસે કાન નહીં હોય, તો તમે મોક્ષે નહીં પહોંચી શકો. સદ્ગુરુને સાંભળવાની તમારી ક્ષમતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તમારી મોક્ષયાત્રાની ઝડપ પણ વધતી જાય છે.

જે તમને સંભળાય છે એ તમારા માટે સદ્ગુરુ છે. સાક્ષાત્ તીર્થકર હોય, પણ તમે એમને સાંભળી ન શકો, તો એ તમારા માટે સદ્ગુરુ નથી. તમે જો એમને સાંભળી ન શકો, તો એ તમારા માટે સામાન્ય વ્યક્તિ કે પૂતળાથી વિશેષ કાંઈ જ નથી.

સાંભળ્યું છે કે વૃંદાવનમાં આજે શ્રીકૃષ્ણની વાંસળીના સૂરોને પકડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભીતરમાં જ્યારે શિષ્યત્વનો ઉઘાડ થાય છે, ત્યારે અનંત સદ્ગુરુઓના ઉદ્ગારો સ્વયંભૂપણે પકડાવા લાગે છે. ગુરુકૃપાનો નૈશ્ચયિક અર્થ આ જ છે – શિષ્યત્વનો ઉઘાડ.

શિષ્યત્વ ઉઘડી જાય છે ત્યારે મોક્ષના દ્વાર ઉઘડી જાય છે. गुरुआणाए मोक्खो (ગુરુતત્ત્વવિનિશ્ચય) – ગુરુ આજ્ઞાથી મોક્ષ આનો ભાવાર્થ આ જ છે.

પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અવિનીતનું એક લક્ષણ કહે છે – મુહરી – મુખર. જે બહુ જ બોલ બોલ કરે. સાધના કરવા માટે એ વ્યક્તિ યોગ્ય નથી હોતી. અવિનીત પાસે સાધનાનો પાયો જ નથી હોતો.. મજાની વાત એ છે કે સાધના માટે અયોગ્ય વ્યક્તિ અને સાધનાના શિખરે પહોંચેલી વ્યક્તિ. એ બંનેનું લક્ષણ સરખું જ હોય છે – મુખર. ફરક એટલો કે અયોગ્યની મુખરતા વાચિક હોય છે. શિખરસ્થની મુખરતા આત્મિક હોય છે. વાચિક મુખરતા બંધ થાય એ સાધનાની શરૂઆત હોય છે, આત્મિક મુખરતા શરૂ થાય એ સાધનાની સિદ્ધિ હોય છે. યાદ આવે ઉપનિષદો.

गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः

ગુરુનું મૌન પણ વ્યાખ્યાન ને શિષ્યોના સંશયો ખલાસ.

બસ, સદ્ગુરુને સાંભળીએ, મોક્ષ માટે આથી વધુ કશું જ જરૂરી નથી.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: