Now Reading
Adhyatmagita Athat Atmajigyasa

Adhyatmagita Athat Atmajigyasa

શમન : રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે.. પ્રભુ રીઝે એકવાર, તો પછી એ કદી સંગ ન છોડે.. આનંદઘનજી મહારાજનો આ ભક્તિલય પ્રભુને રીઝવવાની વાત કરે છે. પ્રભુ તો વીતરાગ છે… પ્રભુને રીઝવવા એટલે ભીતરમાં પ્રભુનું પ્રાગટ્ય કરવું છે. જે પરમાત્મા આપણે જોઈએ છીએ એ જ પરમાત્મા દરેક સાધકની ભીતર પણ છે. એ પ્રભુને એકવાર આપણે સંવેદીએ, એ પ્રભુને એક વાર આપણે અનુભવીએ એટલે માની લો કે – રીઝ્યો સાહેબ! પછીનું બધું જ કાર્ય એ ભીતર પ્રગટેલા પરમાત્મા પૂર્ણ કરી દેશે. બસ! ફક્ત એક વાર, ભીતર પરમાત્માને પ્રગટાવવાના છે. એક વાર “હું કોણ છું?’ આ પ્રશ્નનો અનુભવના સ્તરે ઉત્તર મેળવવાનો છે. આપણા શુદ્ધ સ્વરૂપનો અનુભવ – ફક્ત ક્ષણવાર માટે થયેલો અપરોક્ષ સાક્ષાત્કાર જ આનંદની એ પરાકાષ્ઠાનો અનુભવ કરાવી દે છે કે પછી ભૌતિક સુખોની પરાકાષ્ઠા પણ તુચ્છ લાગે છે. એકવાર આ અનુભવ થઈ ગયો, ભીતરમાં પરમાત્મા પ્રગટ્યા, સાહિબ રીઝી ગયા પછી મોક્ષ નિશ્ચિત, મોક્ષ સુધીની યાત્રામાં એ પરમાત્માનો સાથ પણ નિશ્ચિત…

આપણી તમામ સાધનાનું દૂરોગામી લક્ષ જો મુક્તિ હોય છે તો તેનું નિકટતમ લક્ષ્ય એક આત્મસાક્ષાત્કાર હોવું ઘટે. અધ્યાત્મવિશ્વની આ એક એવી અદ્ભુત ઘટના છે જેના જીવનમાં એ ઘટી તે ધન્ય થઈ ગયો…

– ગુલાબજાંબુ ભાવતા હોવા છતાં મનોબળથી તેનો ત્યાગ કરી શકીએ છીએ, પરંતુ તે ગુલાબજાંબુ ભાવતા જ ન હોય તેવું કેમ નથી થતું? એના પ્રત્યેની આસક્તિ સમૂળગી જ નષ્ટ થઈ જાય – તેમ કેમ નથી થતું? વિષ્ઠા પ્રત્યે જેમ રાગનો અંશ નથી, તેવું જ ગુલાબજાંબુ માટે કેમ નહીં? ગુલાબજાંબુ કરતા અનંતગણું સુખ જ્યારે સંવેદાઈ જાય ત્યારે ગુલાબજાંબુ માટેની આસક્તિ મૂળથી ઉખડી જાય છે. એ ખાવાનું કહેવાતું સુખ “સુખ’ જ નથી લાગતું, દુઃખ લાગે છે. આવા અનુપમ સુખનું સંવેદન થાય છે, આત્મસાક્ષાત્કારની પળે!

– ભૌતિક સુખ-સાધન-સગવડોથી મળતું સુખ, બહિર્મુખતા જનિત સુખ… આ બધાં જ પ્રત્યે અંદરથી ઉદાસીનતા પ્રગટે છે – એ ધન્ય ક્ષણથી, જે ધન્ય ક્ષણે આત્મા અનુભવાઈ જાય છે.

શરીરને ઠંડી-ગરમીનો જે સ્પષ્ટ અહેસાસ થાય છે તેના કરતા કરોડો ગણો વધુ સ્પષ્ટ, અત્યંત ચોક્ખો, અનુભવના સ્તરનો આત્મસાક્ષાત્કાર આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ કદાચ “શરૂઆત’ છે, ભૂમિકા છે. પરંતુ એ એટલી મહાનતમ ઘટના છે કે છેક મંઝિલ સુધીની યાત્રાને નિષ્કંટક અને નિશ્ચિત કરી શકવાનું સામર્થ્ય એ લઈને બેસેલ છે. ખરી મુશ્કેલી-મહેનત, મથામણ આ આત્મસાક્ષાત્કારને પ્રગટાવવા માટેની છે, મેળવવા માટેની છે.

આત્માનુભવ મેળવ્યા પછી જો સંસારથી નિર્ભીકતા અને મોક્ષ માટેની નિશ્ચિંતતા પ્રગટી જાય છે તો જ્યાં સુધી આ અનુભવ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી સેંકડો સાધનાઓ કરવા છતાં “હવે સંસાર મારું બગાડી ન શકે’ આવો વિશ્વાસ જાગતો નથી, જો એ સાધનાઓ માત્ર કરવા ખાતર કરાઈ હોય તો આત્માનુભવ વિના દાનાદિ તમામ સાધનાઓ નિષ્ફળ છે – આવી વાત સ્પષ્ટ શબ્દોમાં પૂજ્ય સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વિંશતિ વિંશિકા (6/20) ગ્રંથમાં ફરમાવે છે. હું દેહથી ભિન્ન આત્મા છું. આવું ઘણીવાર રટ્યું, તર્કથી સમજ્યું, અનેકને સમજાવી શકાય તેવી ક્ષમતા પણ મળી ગઈ. તે છતાં એ હકીકત છે કે “હું કોણ છું?’ – આ પ્રશ્નનો અનુભવનો ઉત્તર બહુ જૂજ સાધકો પાસે હોય છે.

બૌદ્ધિક જવાબ સ્પષ્ટ છે – “હું આત્મા છું’ પરંતુ એમાં “હું’ કે “આત્મા’ની કોઈ અનુભવની સ્પષ્ટતા નથી. બે વ્યક્તિ મીઠાઈ કદી ચાખી નથી, જોઈ નથી, ગળી કોઈ ચીજ ચાખી નથી. એમાંથી એક વ્યક્તિએ મીઠાઈનું-ગળાશનું વર્ણન સાંભળ્યું છે. એ સાંભળેલું બોલી શકશે – મીઠાઈ વાપરતા ખૂબ સુખ અનુભવાય – પરંતુ તેને પોતાને અંદરથી ખબર નથી – એ સુખ શું છે?

જેણે મીઠાઈ જોઈ છે, ચાખી છે, એ જ અનુભવી શકે છે કે તેનું સુખ શું છે? અનુભવના સ્તરનો ઉત્તર એ વ્યક્તિ પાસે જ હોવાનો!

સિદ્ધ અવસ્થામાં જે અનંત સુખમય આત્માનો અનુભવ છે તેવી જ અંશતઃ ધન્યતમ અવસ્થા સદેહે અહીં જ અનુભવાય – તે કેટલી રોમાંચક બીના કહેવાય? અને આ આવા દુષમ કાળમાં પણ પ્રાપ્ય છે. દરેક સાધક પુરુષાર્થથી આ પ્રાપ્ત કરી શકે છે… અને માટે જ આ પ્રાપ્ત કરવા માટે જે કરવું પડે તે કરી છૂટવું જોઈએ…

આ અંગેની કંઈક વાતો અધ્યાત્મગીતાના સથવારે માણશું, જેનું પ્રથમ સોપાન છે :

अथात आत्मजिज्ञासा!

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: