Now Reading
Sukh Aatma Ma Che

Sukh Aatma Ma Che

વિશ્વમાં એક પણ જીવ એવો નહિ કે જે સુખ તથા શાંતિને ન ઈચ્છતો હોય,
રાતદિવસ તે માટે મહેનત ન કરતો હોય! દુઃખને દૂર કરવા અને
સુખને મેળવવા બધા જ સવાર-સાંજ મથે છે, પણ સુખ મળતું નથી, દુઃખ જતું નથી.
તેનું કારણ સંસારનાં સર્વ સુખ કલ્પનાજન્ય છે.

મોહને આધીન જીવો ઈન્દ્રિયસુખને, વિષયસુખને, ભૌતિકસુખને સુખ માની બેઠા છે, પરંતુ એ સુખ તો દુઃખનું જ રૂપાંતર છે. ઈચ્છાઓ આભ જેટલી અનંત અને એને સંતોષવાનાં સાધન મર્યાદિત. એમાં આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી અતૃપ્તિની આગમાં આત્મા શેકાતો, બળતો રહે. ક્ષણિક, નાશવંત અને ક્ષણભંગુર સુખોના ભોગવટામાં જિંદગીનો ભોગ લેવાય, તો પ્રભુ સાથે યોગ ક્યારે સધાય?

સંસારના દુઃખદાવાનલથી મુક્ત થવાનો ઉપાય – મનની દિશા બદલવામાં છે, મનની માન્યતા બદલવામાં છે.

સુખ આત્મામાં છે, પુદ્ગલમાં નહિ. ચેતનામાં છે, દેહમાં નહિ. દેહના સંયોગથી ઉત્પન્ન પૌદ્ગલિક સંબંધો કે પદાર્થોમાં નહિ. સુખ અવ્યાબાધ આત્માના સ્વભાવમાં છે. સ્વભાવ પર ચઢેલાં આવરણો ખસે તો મનભીતર ભગવાન વસે. ભગવાનને મનમાં વસાવવા માટે મનભીતર અડ્ડો જમાવી બેઠેલાં રાગ, દ્વેષ, મોહ-મિથ્યાત્વને દૂર કરવાં પડે, હૃદય શુદ્ધ બને ત્યારે આત્માને સાચાં સુખ, શાન્તિ, આનંદનો અનુભવ થાય.

આનંદમય આત્માની અનુભૂતિ પરમાનંદમય પરમાત્મા પર પ્રીતિ અને ભક્તિ કરવાથી જ થાય. એવો પૂરેપૂરો પાકો વિશ્વાસ કેળવાય તો રાગ-દ્વેષરહિત થવાય, વીતરાગ થવાય.

વીતરાગ ભક્તિ :

વીતરાગ થવા માટે વીતરાગની ભક્તિ અનિવાર્ય છે.

અનાદિકાળથી આત્મા ભવવનમાં ભટકી રહ્યો છે. તેનું મૂળ દેહને આત્મા માની બેઠો છે. આ ભ્રાન્તિ છે. તે ભ્રાન્તિ અરિહંત પરમાત્માની નિષ્કામ ભક્તિથી દૂર થાય છે. ભ્રાન્તિ દૂર થયા વિના જીવનું ભવભ્રમણ અટકતું નથી. ભવભ્રમણ અટકાવવા માટે ભક્તિયોગ એ સરળ સાધન છે.

  • ભક્તિમાં ભગવાનની હસ્તી છે, આત્માની મસ્તી છે, ભવભયનાશક શક્તિ છે, વિષય-કષાયની વિરક્તિ છે.
  • જેનાથી મુક્તિ નિકટ બને છે, આવી મહિમાવંતી અરિહંતની ભક્તિ છે. પ્રભુ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ એ જ ભક્તિ. ભક્તિ ભક્તને ભગવાન બનાવે, મોક્ષમહેલમાં પહોંચાડે. પૌદ્ગલિક સુખોને સ્થાને આધ્યાત્મિક સુખ અપાવે.
  • પ્રભુભક્તિના પ્રભાવે રાગી મન વિરાગી થાય, વિરાગી મન વીતરાગી થાય.
  • મલિન મન શુદ્ધ બને. ચંચળ મન સ્થિર બને. “અચલ અમલ મન પ્રભુપદ જાના’-આવું સ્થિર અને નિર્મળ મન પ્રભુપદ પામે.
  • એ પ્રભુભક્તિની બલિહારી છે, જેના વડે સ્વ-સુખનો રાગ જાય અને સર્વનાં સુખનો વિચાર થાય. સ્વાર્થનો દુષ્ટભાવ જાય અને પરમાર્થનો દિવ્યભાવ પ્રગટ થાય..

પરમાત્માની અચિંત્ય શક્તિ :

સંસારની આસક્તિનું રૂપાંતર થાય અને મોહનું સ્થાન મોક્ષ લે એવી કામણગારી પ્રભુભક્તિની અચિંત્ય શક્તિ છે. અરિહંત પરમાત્માના અનંત ગુણો છે, અગણિત ઉપકારો છે, લોકોત્તર કરુણા છે. તેથી પ્રભુ આપણને અનાયાસે અનંત પ્રકારની યાતનાઓમાંથી ઉગારી લેવાની અચિંત્ય શક્તિ ધરાવે છે.

પતિતને પાવન કરનારી, અપૂર્ણને પૂર્ણ કરનારી, ભોગના ભિખારીને યોગની શ્રીમંતાઈ આપનારી, દેહના દાસને આત્માના માલિક કરનારી, પામરને પરમ બનાવનારી એ શક્તિની ભક્તિથી જ મનભીતર રહેલા ભગવાન આવી મળે છે. પ્રત્યેક આત્મામાં પરમાત્મ-સ્વરૂપ ઢંકાયેલું છે. તેનું પ્રગટીકરણ પરમાત્માની ભક્તિમાં એકાકાર થવાથી થાય છે.

“પ્રભુને ભજો અને અનંત સુખ પામો.’ “પ્રભુને ભૂલો અને નરક-નિગોદના અનંત કષ્ટ ભોગવો.’

એ રીતે પ્રભુના અચિંત્ય માહાત્મ્યનો ખ્યાલ આવતાં પ્રભુ પ્રત્યે અંતરંગ આદર પેદા થાય છે, સર્વત્ર પ્રભુનો જ મહિમા દૃષ્ટિગોચર થાય છે અને હૃદયના ઊંડાણમાં અનાયાસે શુભ ભાવોનું પૂર આવે છે.

વાહ! પ્રભુ વાહ! શું તારો અચિન્ત્ય પ્રભાવ! શું તારી અનંત કરુણા! પ્રભુ! તું હી તું હી તું હી તું હી, એક તારું જ રટણ છે, એક જ તારું શરણ છે. પ્રભુ! તારા શરણ અને સ્મરણ સિવાય બીજું કાંઈ પણ મને જોઈતું નથી. પ્રતિપળ મારા હૃદયમાં આપની સ્મૃતિ બની રહો! એ જ એક મારી પરમ કામના છે.

આવો અંતરંગ આદર અને રસ પેદા કરવાથી ચિત્તમાં પ્રસન્નતા જન્મે છે અને ચિત્તપ્રસન્નતા હોય ત્યાં સ્થિરતા સહજ પ્રગટે છે. એ સ્થિરતા, એકાગ્રતા સાધી તન્મયતા પ્રગટાવે છે અને તન્મયતા અંતે જ્યારે લયમાં પરિણમે છે, ત્યારે જ લોકોત્તર પરમ તત્ત્વની સાચી ઓળખાણ થાય છે. આમ શાશ્વત સુખ, અનંત આનંદ અને ચિન્મય આત્મશુદ્ધ સ્વરૂપને પરમાત્માની પ્રીતિ, ભક્તિ અને શરણાગતિથી જ પામી શકાય છે. આત્મા આનંદમય છે, સુખમય છે, જ્ઞાનમય છે, એ સત્યમાં શ્રદ્ધા કેળવાય છે, પછી જ પ્રભુભક્તિ દ્વારા આંતરિક શાન્તિ અને આત્મિક આનંદ અનુભવાય છે.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: