વિજ્ઞાનની બોલબાલાવાળા વર્તમાનકાળમાં ગંતવ્ય સ્થળે પહોંચવા માટે
અનેક પ્રકારના વાહનો ઉપલબ્ધ છે. ટુ વ્હીલર, થ્રી વ્હીલર… ફોર વ્હીલર..
એમ વધતાં વધતાં 100-200 વ્હીલવાળા વાહનો પણ હોય છે.
પણ એવું કોઈ જ વાહન જોવા મળતું નથી, જેને માત્ર એક જ વ્હીલ હોય.
આત્મરથને મોક્ષમાર્ગે ગતિ કરીને મોક્ષે પહોંચવા માટે પણ આ જ નિયમ લાગુ પડે છે.
આવું જ એક જોડકું છે : નિશ્ચય અને વ્યવહાર. નથી નિશ્ચય વિના ચાલતું કે નથી વ્યવહાર વિના… બંનેનો સહયોગ થાય તો આત્મરથ અસ્ખલિત ગતિએ મોક્ષમાર્ગ પર અમોઘગતિ કરે છે.
આશય એ છે કે અનાદિકાળથી જીવ મોહમાર્ગ પર ગતિ કરી રહ્યો છે. આ ગતિનું એક જ પરિણામ છે – સંસારભ્રમણ. આ ગતિના પણ બે અંશ છે – જીવની વૃત્તિ અને જીવની પ્રવૃત્તિ. જેમકે જીવની વૃત્તિમાં પણ પ્રમાદ છે અને પ્રવૃત્તિમાં પણ પ્રમાદ વણાયેલો છે. વૃત્તિમાં પણ ક્રોધાદિ કષાયો છે ને પ્રવૃત્તિમાં પણ ક્રોધાદિ ડોકાયા કરે છે. વૃત્તિમાં પણ વિષયોના આકર્ષણ પડેલા છે ને પ્રવૃત્તિ પણ વિષયોમાં ખેંચાયા કરવાની છે. આ વૃત્તિ અને પ્રવૃત્તિ બંને અકબંધ છે, માટે જ સંસાર પણ અકબંધ છે અનાદિકાળથી. આમાં જે વૃત્તિ છે, એને આપણે મોહતરફી નિશ્ચય કહી શકીએ અને જે પ્રવૃત્તિ છે, એને મોહતરફી વ્યવહાર કહી શકીએ.
આમ સંસારમાર્ગ માટે મોહતરફી નિશ્ચય અને વ્યવહાર (મિથ્યા નિશ્ચય-કુનિશ્ચય અને મિથ્યાવ્યવહાર-કુવ્યવહાર) બંને જો જરૂરી છે, તો એના પ્રતિપક્ષ એવા મોક્ષમાર્ગ માટે પણ (સમ્યગ્) નિશ્ચય અને વ્યવહાર બંને આવશ્યક છે.
જીવે અનાદિકાળથી વારંવાર વારંવાર પ્રમાદગ્રસ્ત પ્રવૃત્તિ કરી છે અને તેથી એના પ્રભાવે પ્રમાદગ્રસ્ત વૃત્તિ નિર્માણ થયેલી છે, દૃઢ થયેલી છે અને ટકેલી છે. આવું જ વિષય-કષાયની પ્રવૃત્તિ અને વૃત્તિ માટે પણ સમાન છે. અર્થાત્ મોહતરફી વ્યવહારથી મોહતરફી નિશ્ચય પેદા થયેલો છે, ટકેલો છે ને દૃઢ બનેલો છે.
આવું જ (મોક્ષતરફી) નિશ્ચય અને વ્યવહાર માટે છે. પ્રવૃત્તિમાં ફરી ફરી અપ્રમાદને જાળવવાથી (વ્યવહારથી) વૃત્તિમાં અપ્રમાદ કેળવાતો જાય છે (નિશ્ચય ઉત્પન્ન થાય છે.) ત્યારબાદ પણ પ્રવૃત્તિમાં ફરી ફરી અપ્રમાદને ઘુંટતા રહેવાથી (વ્યવહારને દૃઢપણે વળગી રહેવાથી) વૃત્તિમાં અપ્રમાદ સ્થિર થાય છે અને પછી દૃઢ થતો જાય છે (નિશ્ચય સ્થિર થાય છે અને દૃઢ બને છે).
આમ નિશ્ચયને પેદા થવા માટે, ટકવા માટે ને ઉત્તરોત્તર વધવા માટે વ્યવહારની જરૂર છે. વ્યવહારની પણ સ્થિરતા અને દૃઢતા માટે નિશ્ચય અપેક્ષિત છે. વૃત્તિમાં જો પ્રમાદ જ પડ્યો હોય તો પ્રવૃત્તિમાં અપ્રમાદને જાળવવો, સતત જાળવવો, થાક્યા વિના જાળવવો એ પ્રાયઃ અશક્ય જ છે.
આમ સાધના માટે નિશ્ચય અને વ્યવહાર બંને જરૂરી છે. એમાંથી વ્યવહારનું તો ખૂબ બારીકાઈભર્યુ વિસ્તૃત માર્ગદર્શન આપણે ત્યાં ઉપલબ્ધ છે અને વર્તમાન મહાત્માઓ પણ ઘણુંખરું એનો ઉપદેશ આપતા જ હોય છે. નિશ્ચયનું નિરૂપણ પણ આપણે ત્યાં છે જ. સાવ નથી એવું નથી જ, પણ કોઈપણ કારણસર એ સુષુપ્ત જેવું બની ગયું છે, ઘણા ઉપલબ્ધગ્રંથોમાં પણ અને મહાત્માઓના રોજિંદા ઉપદેશોમાં પણ. એટલે સાધનાના તુલ્ય મહત્ત્વ ધરાવતા આ અંશને ઉજાગર કરવાની ઊભી થયેલી તાતી જરૂરિયાતને પહોંચી વળવાના પ્રથમ પગરણરૂપે શરુ થઈ રહેલા આ “પરાવાણી’ સામયિકને ખૂબ ખૂબ મંગળકામનાઓ… એ પોતાના ધ્યેયને વધુ ને વધુ હાંસલ કરવા સાથે અસ્ખલિત ગતિએ આગળ વધતું રહે એવી પરમકૃપાળુ પરમાત્માના, નિશ્ચય અને વ્યવહારનું પ્રતિનિધિત્વ કરનાર ચરણદ્વયમાં પ્રાર્થના.