अर्थान् यथास्थितान् सर्वान् समं जानति पश्यति।
निराकुलो गुणीयोऽसौ शुद्धचिद्रूप उच्यते ।।1।।
વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને જેવી રીતે છે, તેવી રીતે બરોબર જે જાણે છે અને જુએ છે,
તે વ્યાકુળતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ જ્ઞાનસ્વરૂપ કહેવામાં આવે છે.
શુદ્ધ આત્મા સત્તામાંથી પોતાના ખરા સ્વ~પમાં પ્રકાશિત થાય છે, ત્યારે તે દેહ અને કર્મના કોઈ પણ અણુઓથી વીંટાએલો હોતો નથી. તે એકી વખતે આ વિશ્વને જાણે છે અને જુએ છે. વિશ્વના તમામ પદાર્થોને તેના ખરા સ્વ~પમાં જાણે છે. તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરહિત હોવાથી નિરંજન છે. ઈન્દ્રિયો તેને કોઈ પણ રીતે ગ્રહણ કરી શકતી નથી. પોતાના અનુભવથી જ તે જાણી શકાય છે.
તે શુદ્ધ આત્માને ત્યાગ કરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય કે જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી. તેને હવે ધ્યાન કરવા યોગ્ય કે જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી. તેને હવે ધ્યાન કરવા યોગ્ય કાંઈ ધ્યેય નથી, કેમકે પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રકટ થઈ ગયું છે. તેનાથી આગળ કોઈ ભૂમિકા ન હોવાથી તે સર્વથી ઉત્કૃષ્ટ તત્ત્વ છે.
જ્ઞાતા અને દષ્ટા એ આત્માનો સ્વભાવ પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયેલો છે. અન્ય સર્વ દ્રવ્યોથી તે મુક્ત હોવાથી શુદ્ધ છે. નિર્મોહી મનુષ્યોને તે ઘણી સહેલાઈથી પ્રાપ્ત થવા યોગ્ય છે. મોહવાળા પ્રાણીઓ આ આત્માને મેળવી કે અનુભવી શકતા નથી. આ આત્માની આદિ નથી, તેમ તેનો નાશ પણ નથી.
અપેક્ષાએ સ્થિતિ, ઉત્પત્તિ અને વ્યયસ્વરૂપ છે. આત્મા જ્યારે કોઈ વસ્તુને પોતાના જ્ઞાન દ્ધારા જૂએ છે, ત્યારે આ જોવારૂપ ઉપયોગે પરિણમવું તે રૂપે તેની ઉત્પત્તિ છે. જાણવારૂપ ઉપયોગમાંથી ખસીને જોવા રૂપ ઉપયોગે પરિણમવું, તે સ્થિતીનો વ્યય-નાશ છે અને જોવા તથા જાણવાના બન્ને ઉપયોગમાં પોતાની હયાતી હોવી તે તેની સ્થિતિ છે. એમ ઉપયોગની અપેક્ષાએ આત્મા ઉત્પન્ન થાય છે, પૂર્વ ઉપયોગે નાશ પામે છે અને સ્વસ્વરૂપે કાયમ ટકી રહેતો હોવાથી આત્મા અમર છે.
ઉપયોગ બે પ્રકારના છે. 1) સાકાર ઉપયોગ અને 2) નિરાકાર ઉપયોગ.
- સાકાર ઉપયોગ તે જ્ઞાન છે. નિરાકાર ઉપયોગ તે દર્શન છે.
આત્મા જ્ઞાન દ્વારા પોતાની વિશ્વ પ્રકાશક શક્તિરૂપે પ્રકાશે છે, તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાન દ્વારા અ વિશ્વને જાણે છે. વિશેષ પ્રકારે જાણવું તે જ્ઞાન છે. સામાન્ય પ્રકારે જાણવું તે દર્શન છે. અથવા સ્વ-પરસ્વરૂપ વિશ્વ છે, તે જ્ઞાનથી જાણવામાં આવે છે, ત્યારે નિરાકાર સ્વરૂપ દર્શન ઉપયોગે આત્મા પોતાના સ્વરૂપમાં લીન રહે છે. જ્યાં સુધી કર્મની સાથે તે જોડાયેલો રહે છે, ત્યાં સુધી તે અશુદ્ધ છે અને કર્મથી મુક્ત થતાં તે શુદ્ધ થાય છે, આ વ્યવહારુ દૃષ્ટિ છે. ખરી રીતે સત્તાગત તેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. જેમ કે દૂધની અંદર પાણી ભેળવવામાં આવ્યું હોય છતાં જે દૂધના પરમાણુ છે તે દૂધનાં છે અને પાણીના પરમાણુ છે, તે પાણીના જ છે. દૂધ પાણી થતું નથી અને પાણી છે તે દૂધ થતું નથી. હંસની ચાંચ લાગતાં જ દૂધ અને પાણી હતાં તેમ જુદાં થઈ જાય છે, તેમ આત્મા અને કર્મના અણુઓ અનુભવ-જ્ઞાન થતાં પોતપોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ રહે છે અથવા લોઢું અગ્નિમાં પડવાથી લાલચોળ જેવું થઈ રહે છે – એકરૂપ થઈ જાય છે. લોઢું અને અગ્નિ એ વખતે જુદાં ન પાડી શકાય તેવાં લાગે છે, છતાં બંને પોતપોતાના પવન લાગવાથી ધીમે-ધીમે અગ્નિનાં પરમાણું લોઢાથી અલગ થઈ જાય છે અને બાકી જેવું હતું તેવું લોઢું જ પડયું રહે છે અથવા પાણી નાખવાથી અગ્નિના ઉષ્ણ પરમાણુ હવામાં ઊડી જાય છે અને લોઢું જૂદું થઈ રહે છે. અથવા એક રત્ન છે, તેના ઉપર રેશમી કપડું લપેટ્યું તેને દોરેથી બાંધી એક નાની ડબીમાં મૂક્યું, ડબી નાની પેટીમાં મૂકી, નાની પેટી એક મોટી પેટીમાં મૂકી, મોટી પેટી તિજોરીમાં મૂકી, તિજોરી ઓરડામાં મૂકી, આરડો ઘરની અંદર આવ્યો છે, ત્યાં તાળું વાસ્યું, હવે વિચાર કરતાં સમજાશે કે તે રત્નની ઉપર ઘણાં આવરણો આવેલાં છે, છતાં રત્ન જ્યાં છે, ત્યાં તો જેમ છે તેમ જ છે, નથી તેમાં ઘટાડો થયો કે નથી તેમાં ફેરફાર થયો. જેવું પ્રથમ પ્રકટ હતું તેવું જ બંધન વખતે પણ છે. તેમ જ આત્મા સત્તાગતે જેવો છે, તેવો જ પ્રગટ થાય છે ત્યારે પણ છે ફેરફાર એટલો થાય છે, કે જેવું બહાર પ્રકટ રત્ન દેખાય છે તેવું આ દૃષ્ટિએ સત્તામાં પડેલું દેખી શકાતું નથી. એટલા માટે જ તે રત્ન ઉપરનાં આવરણો દૂર થાય તો પ્રત્યક્ષ અનુભવ અને ઉપયોગ થઈ શકે છે.
તેમ જ સત્તાગત આત્મા પ્રકટ થાય તો આનંદરૂપે તેનો અનુભવ થાય છે અને કર્મબંંધનોને લઈને વારંવાર અશાંતિ, જન્મ-મરણ કરવાં પડે છે, તે બંધ થઈ જાય છે. સાત ધાતુના બનેલા આ અચેતન દેહની અંદર રહેવા છતાં કર્મનાં આવરણો દૂર થતાં આત્મા આ વિશ્વને જાણે છે, જુએ છે, જન્મથી માંડીને થયેલા અનુભવો તે સર્વને જે જાણે છે, સંભારે છે, જુવે છે, તે કર્મથી બંધાયેલો છતાં હું આત્મા છું. ત્રણે કાળમાં રહેલી જડ-ચૈતન્ય વસ્તુને જે જાણે છે, જૂએ છે, તે જ્ઞાનસ્વરૂપ હું આત્મા છું.
સર્વજ્ઞ ભગવાનની વાણીરૂપ સમુદ્રનું મંથન કરવાથી છેવટે આજ શુદ્ધચિદ્રુપ આત્મરત્નની પ્રાપ્તિ થાય છે.