લૌકિક સમૂહ લૌકિક લક્ષ્યવાલો હોય છે. સંઘ એ લોકોત્તર સમૂહ છે, કેમકે આ સંઘને પ્રભુ મહાવીર સ્વામીએ લોકોત્તર લક્ષ્ય આપ્યું છે. જે લક્ષ્યને પામનારો સમૂહ પોતાના શુદ્ધ એકત્વને સંપ્રાપ્ત કરે છે અને જે લક્ષ્ય દૃષ્ટિવગું થતાં જ બધા સાધનો પૂર્ણ, જીવંત, સ્પષ્ટ અને ક્ષેમંકર બને છે, તે લક્ષ્ય એટલે
સ્વરૂપાનુભૂતિ
લક્ષ્ય એને કહેવાય જે પામ્યા પછી કશું પામવા જેવું રહેતું નથી.
स्वभावलाभात् किमपि प्राप्तष्यं नावशिष्यते।।
આવા ઉચ્ચતમ લોકોત્તર લક્ષ્યને સતત દૃષ્ટિમાં રાખવા દ્વારા દૃષ્ટિને સમ્યગ્દૃષ્ટિ બનાવવાથી જ સંઘનું પારમાર્થિક સંઘત્વ ઉજાગર થાય છે…
આપણા આગમો, આપણી પરંપરા અને આપણા મહાપુરુષોએ વારંવાર આ લક્ષ્ય પ્રત્યે આપણને સંકેત કર્યો છે… એ સંકેતને ઝીલવા માટે હવે મોડું ન કરીએ… અને અધ્યાત્મને એક વાતાવરણ બનાવીએ, એ જ એકમાત્ર ભાવનાથી આ પરાવાણીનું પ્રગટીકરણ થયું છે…
બે વર્ષ પૂર્વે જીરાવલાથી રાણકપુરના વિહાર દરમિયાન આ વિચાર અંકુરિત થયો હતો, જેને કલ્યાણમિત્ર મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ. એ પ્રોત્સાહનથી સીંચ્યો.
પ.પૂ. ગચ્છાધિપતિશ્રીએ અનેક વિમર્શ બાદ લીલી ઝંડી આપી અને અનેક વડીલો અને મિત્રમુનિઓએ લેખો લખીને સમૃદ્ધિ બક્ષી. કુમારપાલભાઇ વી. શાહ, વિશાલભાઇ વિ. શ્રાવકોએ પણ કાર્યના અસ્ખલન માટે ઉત્સાહવર્ધક સહયોગ આપ્યો છે. આ સિવાય જે પણ જીવો આ પરાવાણીના પ્રાગટ્ય માટે નિમિત્ત બન્યા, તે સહુનો હૃદયપૂર્વક આભાર… ઋણસ્વીકાર…