જે તે કર્તવ્યક્રમોને સ્વાધિકારે કરવાના હોય, તેનો પ્રથમ સ્વાધિકાર નિર્ણય થવાથી અવબોધાઈ શકે. સ્વાધિકારનો નિર્ણય કરવાથી મનુષ્ય કર્તવ્યની અનેક ગૂંચવણમાંથી મુક્ત થાય છે, પશ્ચાત્ તે અધિકાર પરત્વે કર્તવ્યકાર્યોની સિદ્ધિ માટે પૂર્ણ હોંશ અને જોશથી પ્રવૃત્તિ કરે છે.
સ્વાધિકાર સદા એક સરખો રહેતો નથી. આશ્રમભેદે, અવસ્થાભેદે, દેશભેદે અને કાલભેદે અધિકારનું પરાવર્તન થાય છે અને તેથી અધિકારભેદે કર્તવ્યકાર્યોનું પરાવર્તન થાય છે. અધિકારનો પૂર્ણ નિર્ણય કરીને સ્વકર્તવ્ય યોગ્ય પ્રત્યે કાર્યમાં આત્મા સાક્ષીભૂત થઈને વર્તે, એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
અનેક પ્રકારનાં નાટકો કરતાં નાટકિયાઓ અનેક વેષ અને ચેષ્ટાઓમાં પોતાને સાક્ષીભૂત માને છે; ફક્ત તે સ્વ ફરજને અદા કરે છે; પરંતુ હું અમુક પાત્ર જ છું તથા અમુક વેષધારી તથા અનેક ચેષ્ટાઓ ને પાત્રભેદ કરવા છતાં પણ માત્ર વેષ અને ચેષ્ટાવાળો છું એવું તે માની લેતા નથી. આ પ્રમાણે સ્વાધિકાર યોગ્ય કર્તવ્યકાર્યોેને કરતાં સાક્ષીભૂત થઈને પોતે વર્તવું જોઈએ.
વેદાંતદર્શનમાં વિદેહીજનક વગેરેનાં દ્રષ્ટાંતો તે માટે મોજૂદ છે. જૈનદર્શનમાં શ્રેણિક, કૃષ્ણ વગેરે અંતરાત્માઓ કે જે ભાવિ પરમાત્માઓ છે, તેઓનાં દ્રષ્ટાંતોનું અવલોકન કરવું.
સાક્ષીભૂત થઈને પ્રત્યેક કર્તવ્યકાર્ય કરતાં અનેક પ્રકારના અહંવૃદ્ધિ આદિ દોષોમાંથી મુક્ત રહેવાય છે અને આત્માની પરમાત્મદશા ખીલવવારૂપ અભ્યંતર પ્રયત્નની પ્રગતિ થાય છે.
પ્રારબ્ધયોગે જે જે કર્મો કરવા પડે, તે કર્યા વિના છૂટકો થતો નથી, પરંતુ તેમાં સાક્ષીભૂત થઈને વર્તતાં દોષના હેતુઓ અર્થાત્ આસ્રવના હેતુઓ તે સંવરના હેતુઓ તરીકે પરિણમે છે અને સર્વમાંહી છતાં સર્વથી ન્યારા રહેવાની દશાનો અનુભવ આવે છે.
બાહ્યથી અવલોકતાં એમાં અવબોધાય કે સાક્ષીભૂત થઈને સર્વકાર્ય કરવાં એ બની શકે નહીં, પરંતુ આત્મભાવનાના ઉચ્ચ શિખર પર આરોહીને દ્રઢ નિશ્ચય કરવામાં આવે તો કાર્યવાસના, દેહવાસના, કર્તવ્યવાસના, કર્તાવાસના અને ભોક્તાવાસના આદિ અનેક વાસનાઓમાંથી પસાર થઈને અંશે અંશે સાક્ષીભૂત આત્માની દશા પ્રાપ્ત કરી શકાય અને બાહ્ય કાર્યો કરતાં આત્મા પોતે સાક્ષીભૂત થઈને વર્તી શકે, એવી દશા પ્રાપ્ત કરી શકાય.
આત્મજ્ઞાન – બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરીને તેના અનુભવપૂર્વક બાહ્ય કાર્યો કરતાં અંતરમાં સુરતા (સ્મૃતિ) રાખવાનો અભ્યાસ સેવતાં સેવતાં સાક્ષીભૂત આત્મા બની શકે છે.
સાક્ષીભૂત પોતે બનીને સ્વાધિકારે કર્તવ્યકાર્યોને કરવાં એ ધર્મ છે અને તેવી દશામાં રહેનારાઓ વિશ્વમાં છતાં વિશ્વમુક્ત-જીવતાં છતાં જીવનમુક્ત અને ભોગી છતાં ભોગમુક્ત અને સર્વમાં છતાં સર્વમુક્ત બનીને કર્તવ્યકર્મની યોગ્યતાને પામે છે.
સાક્ષીભૂત આત્મા વડે સમષ્ટિમાં એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે જે કંઈ કરાય છે, લેવાય છે, તેમાં અદ્ભુત પરમાર્થ કર્તવ્યકાર્ય રહેલું છે.
જ્ઞાન-કર્મયોગીઓ જે કંઈ કરે છે, તે હિતાર્થે કરે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિએ અર્થાત્ પિંડ અને બ્રહ્માંડમાં ભાવનાદ્રષ્ટિએ તેઓ સર્વત્ર આત્મા અને પરમાત્માને અવલોકે છે. પિંડમાં અને બ્રહ્માંડમાં આત્મસત્તા દ્રષ્ટિએ તેઓ સર્વત્ર વ્યક્તિરૂપ દેહધારીઓને પરમાત્મારૂપે અવલોકે છે; તેથી તેઓ અંતરમાં સર્વ જીવો કે જે સત્તાએ પરમાત્માઓ છે, તેઓની સાથે સહજાનંદથી એકરસરૂપે સ્વાત્માને અનુભવે છે.
આત્મજ્ઞાની એવા કર્મયોગીઓ દેહધારીઓના દેહો સામું દેખતાં નથી, તેઓના મન સામું દેખતાં નથી, પરંતુ તેઓ આત્માઓના આત્મત્વને દેખીને તેની સાથે વાસ્તવિક સ્વાત્માનો સંબંધ બાંધે છે અને સદા અંતરમાં એવા ઉપયોગે વર્તે છે.
આત્માની પરમાત્મતાનો સર્વત્ર સમષ્ટિરૂપ અનુભવ કરનારા મહાત્માઓ કે જેઓ સર્વત્ર સમભાવને ધારણ કરીને સર્વ કાર્યોમાં સાક્ષીભાવપણે પ્રવર્તે છે, તેઓ વસ્તુતઃ સર્વ કાર્યો કરવાની યોગ્યતા ધરાવે છે.
સ્વની પાછળ તેઓ સ્વકર્તવ્ય કાર્ય કરનારાઓની પરંપરાકારકોને વિશ્વમાં અસ્તિત્વ તરીકે મૂકે છે અને કર્તવ્યકાર્યપરાઙ્મુખ ન થતાં સદા પ્રવર્ત્યા કરી પાપકર્મનો નાશ કરે છે. સ્વાધિકારનો નિર્ણય કરીને કર્તવ્યકર્મમાં સાક્ષીભૂત થઈને વિચરવું એ જ ખરેખરી કર્મયોગીની મહત્તા છે.
નામરૂપના પ્રપંચમાં છતાં દ્રશ્યમાં સર્વ પ્રકારની નામ-રૂપની વાસનાઓ ન રહે અને આત્મામાં સર્વ બ્રહ્માંડને દેખવાનો અનુભવ આવે તથા સર્વત્ર બ્રહ્માંડમાં સ્વાત્માનો અનુભવ આવે ત્યારે સર્વ વિશ્વ કુટુંબરૂપ ભાસે અને તેમાં રહ્યા છતાં આત્માનો ઉપયોગ દ્રષ્ટિએ સાક્ષીભાવ ખરેખર સર્વ કાર્યો કરતાં રહી શકે.
ઉપર્યુક્ત આત્માનો સર્વ કાર્યો કરતાં સાક્ષીભાવ રહે એટલે અવબોધવું કે સર્વ કાર્યો કરતાં અકર્તાપણું અને આનંદની ઘેન તો સદા પ્રાપ્ત થવાથી આત્માનો આનંદ ખરેખર સાક્ષીભૂત થઈને આ વિશ્વમાં પ્રવર્તાય છે, ત્યારે અનુભવાય છે અને તે વખતે પ્રવૃત્તિમાં છતાં અંતરમાં નિવૃત્તિનો અનુભવ આવે છે.
આત્માની સાક્ષીભૂત દશા કરવા માટે જ્ઞાની મહાત્માઓ કે જેઓ પ્રવૃત્તિમાં છતાં નિવૃત્તિ જીવન ગાળે છે અને આત્માને સર્વત્ર સાક્ષીભૂત તરીકે પ્રવર્તાવે છે, તેઓની સંગતિ કરી તેઓના શિષ્ય બની કર્તવ્યકાર્યોમાં સાક્ષીભૂત થઈને રહેવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ.
આ વિશ્વના લોકો સ્વપ્રવૃત્તિમાં સાક્ષીભૂત બનીને પરમાત્મ ભાવનાથી પરમાત્માનો અનુભવ કરી શકે છે. સ્વાધિકાર નિર્ણીત કર્તવ્ય આવશ્યક કાર્ય પ્રવૃત્તિના ત્યાગમાં મહાપાપ રહેલું છે, એમ પ્રત્યેક મનુષ્યે અવબોધવું જોઈએ અને સાક્ષીભૂત થઈ
નિર્ણીત સ્વાધિકારે કર્તવ્ય કાર્યોની યોગ્યતા પ્રાપ્ત કરવામાં સદા અપ્રમત્ત-શીલ રહેવું જોઈએ.
– ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ.
શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
અંદરવાળા આપણા પોતાના આત્માનું ભલું કરવાનું કોણ ચૂકાવે છે? કહો, પ્રમાદ ચૂકાવે છે, પ્રમાદ ભૂલાવે છે, અને એ પ્રમાદ જાણે જીવનો સ્વભાવ બનાવી દીધો તો જીવ પ્રમાદતત્પર જ રહે છે. આ પ્રમાદતત્પરતા ભૂંડી છે. આત્મા પ્રમાદમાં જ લીન રહેતો હોય એ બાહ્યના જ ધ્યાનમાં વર્તતો હોય છે. પ્રમાદ એટલે અત્યંત ચૂકવું, ભૂલવું, શું? પોતાનો આત્મા. આત્માને ભૂલી બાહ્યમાં જ મત્ત – ઉન્મત્ત બેભાન રહ્યા કરવું એ પ્રમાદ છે, પ્રમાદ-તત્પરતા છે.