Now Reading
Jad – Chaitanyano Vivek

Jad – Chaitanyano Vivek

  • આૈદારિક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર – આ ત્રણ કિલ્લામાં આત્મજ્યોતિ છે.
  • આત્મજ્યોતિ દેહદેવળમાં પ્રકાશિત જ છે.
  • આત્મદૃષ્ટિના અભ્યાસથી આત્મસ્વરૂપ થવાશે.

જે વસ્તુ પ્રત્યક્ષ રીતે કે જુદી બતાવી શકાતી નથી તે વસ્તુ દૃષ્ટાંતની કલ્પના વડે કેટલીકવાર સામાના હૃદયમાં ઘણી સારી રીતે ઠસાવી શકાય છે. અપ્રત્યક્ષ પણ અનુભવમાં આવતી વસ્તુ અન્યને સમજાવવા માટે ઘણીવાર શાસ્ત્રકારોએ તથા જ્ઞાનીઓએ વિવિધ પ્રકારનાં અનુમાનો, દૃષ્ટાંતો અને કલ્પનાઓ વડે બાળ જીવોને સમજાવી છે.

તેમ આત્માને દેહથી પૃથક્ સમજાવવા ખાતર અહીં પણ એક કલ્પના કરવી પડે છે, તેને સમજવા ખાતર ઉપયોગ કરવાથી તે વસ્તુ સારી રીતે સમજાશે.

કલ્પનાને સિદ્ધાંત તરીકે માનવાની ભૂલ ન થાય પણ કાર્યરૂપ વસ્તુનો બોધ થાય એ તરફ વાંચનારાઓને ખાસ લક્ષ આપવા વિનંતી છે.

જાડા કાચનો કિલ્લો

એક જાડા, આંધળા કાચના કિલ્લાની કલ્પના કરો.

શ્યામ, શ્વેત, લાલ કે પીળા વર્ણનો તે છે. તેની અંદર એકબીજો બારિક પાતળો પણ લાલવર્ણવાળા સ્વચ્છ કાચનો કિલ્લો છે, તેની અંદર એક ત્રીજો સ્વચ્છ કાચનો કિલ્લો છે, આ કિલ્લો વિવિધ પ્રકારના પુદ્ગલોથી મલીન થયેલો છે.

તેની અંદર એક સુંદર સ્વચ્છ જ્યોતિપ્રકાશી રહેલી છે, આ જ્યોતિનો પ્રકાશ ત્રણે કિલ્લાઓને તે કિલ્લાની સ્વચ્છતા, જાડાઈ અને વર્ણના પ્રમાણમાં ભેદીને બહાર આવે છે.

તે જ્યોતિ પોતાના પ્રકાશવાળા કિરણો વડે પોતાનો પ્રકાશ તે કિલ્લાની બહાર કાઢવા, બહારના પદાર્થોને પ્રકાશિત કરવા, અથવા તેનું નિરીક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે. તથાપિ તે કિલ્લાની મલીનતાના વ્યવધાનને લઈને કે તેની અપારદર્શકતાને લઈને તે પદાર્થો જોઈ શકતી નથી, પોતે બહાર આવી શકતી નથી, જોઈ શકતી નથી.

છતાં તે કિલ્લામાં અમુક સ્થળે છિદ્રો પડેલાં છે, આ છિદ્રો વસ્ત્રમાં રહેલાં સૂક્ષ્મ છિદ્રોથી પણ વધુ બારિક છે. કોઈ સ્થળે પારદર્શક કાચમાં રહેલાં છિદ્રો જેવાં છિદ્રો છે, કાચમાં છિદ્રો દેખાતાં નથી પણ પ્રકાશ તેને ભેદીને બહાર આવે છે, એથી નિશ્ચય કરાય છે કે પ્રકાશ જઈ શકે તેવાં છિદ્રો કાચમાં રહેલાં છે.

તે કિલ્લામાં કોઈ સ્થળે નાના ગોખલા જેવાં પણ પારદર્શક જાળીવાળાં છિદ્રો રહેલાં છે. તે દ્વારા જ્યોતિનો પ્રકાશ બહારના પદાર્થોને જોઈ શકે છે અને તેનોઅનુભવ મેળવે છે.

  • આ જ્યોતિ તે આત્મા.
  • પહેલો કિલ્લો તે આપણું આૈદારિક સ્થૂલ શરીર.
  • બીજો કિલ્લો તે તૈજસ શરીર.
  • ત્રીજો કિલ્લો તે કર્મના સંસ્કારવાળું કાર્મણ શરીર.

આ કિલ્લાઓ (શરીરો)ને ભેદીને આત્મજ્યોતિનો પ્રકાશ બહાર આવે છે.

  • તેમાં પડેલાં છિદ્રો તે કર્મના ક્ષય કે ક્ષયોપશમની નિર્મળતા છે.
  • આંખના છિદ્રો મોટા ગોખ જેવા ગણાય છે. કારણ કે તે સ્થળે કર્મનો ક્ષયોપશમ વધારે હોવાથી પ્રકાશશક્તિ બહાર આવે છે.
  • કાન, નાક, જિહ્વા એ છિદ્રો તેનાથી નાનાં છે અને બાકીનાં બારિક છિદ્રો તે સ્પર્શન ઈન્દ્રિય કે જે દ્વારા સ્પર્શ થતાં શરીરનાં બધા ભાગમાંથી બહારના હળવા, ભારે, શીત, ઉષ્ણ, આદિ પદાર્થોનું જ્ઞાન થાય છે.

શરીરને નિર્મળ બનાવો

આ ત્રીજા કાર્મણ શરીર નામના કિલ્લાને તદ્દન નિર્મળ અને પવિત્ર બનાવવો જોઈએ તેમાં રહેલાં મલિન સંસ્કારો,, વિવિધ વાસનાઓ, જેમ જેમ ઓછી થાય તેમ તેમ તે નિર્મળ થાય છે. અને તેની નિર્મળતાથી આત્મજ્યોતિ વધારે પ્રમાણમાં બહાર આવે છે, પ્રકાશે છે, અનુભવે છે.

આ આત્મજ્યોતિનો પ્રકાશ ત્રીજા આૈદારિક સ્થૂલ શરીર સુધીમાં પ્રકાશિત થાય છે. તે જાગ્રત દશા છે. તેમાં રહીને જીવ અનેક પ્રકારના વ્યવહારિક અનુભવો કરે છે. નવીન બંધનો પણ – જ્યોતિને આવરણ રૂપ સંસ્કારો પણ આ સ્થિતિમાં તે વધારે મેળવે છે. તેમ તેને અટકાવવાના વ્યવહારૂ ઉપાયો પણ આ સ્થિતિમાં કરી શકાય છે.

આ શરીરમાં પ્રકાશ કરવાથી પાછો હટીને તે જ્યોતિ તૈજસ શરીર સુધી જ પ્રકાશ આપે છે, ત્યારે મનને સ્વપ્ન દશા થાય છે. જેમાં માનસિક સંસ્કારો અનેક પ્રકારના નાના મોટા આકારમાં રૂપો ધારણ કરી આત્માની સમક્ષ ખડા થાય છે, અને પ્રબળ વાસનાઓ કે જે સ્થૂળ શરીરમાં અનુભવ કરવાનું કેટલાંક કારણોથી અશક્ય જેવું થયું હોય છે, તેનો અનુભવ કરાવે છે.

આ શરીરમાંથી પણ તે આત્મજ્યોતિ ગાઢ આવરણના કારણે (દર્શનાવરણીય કર્મના ઉદયથી) પાછી હટીને જ્યારે કેવળ શરીરમાં રહે છે, ત્યારે મનને પણ ગાઢનિદ્રા આવે છે તે દશામાં મન પણ મૂર્છિત થયેલું હોવાથી કોઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરતું નથી પણ કેવળ અજ્ઞાનદશાનો-આત્મા વિનાનો અંધકાર ફેલાઈ રહેલો હોય છે. તે દશામાં બહારના સઘળા વ્યાપારો કે આખું વિશ્વ તેને માટે તો હયાતિ વિનાનું હોય તેવું થઈ રહે છે. મતલબ કે આ વિશ્વનું કાંઈપણ ભાન તે સ્થિતિમાં થતું નથી.

અથવા એક નળી તે જ્યોતિની સાથે જોડવામાં આવી છે. આ નળી કાર્મણ, તૈજસ કિલ્લાઓને (શરીરોને) ભેદીને આૈદારિક સ્થૂલ શરીરમાં આવે છે તે નળી દ્વારા આત્મજ્યોતિનો પ્રકાશ ત્રણે શરીરને પ્રકાશિત કરે છે.

મન દ્વારા આત્મજ્યોતિનો પ્રકાશ સ્થૂલ શરીરમાં પાંચે ઈંદ્રિયોની સાથે તે નળીનો જ્યારે સંબંધ થાય છે ત્યારે જ તે પ્રકાશિત હોય છે, અર્થાત્ તે દ્વારા કરાતો વસ્તુનો જુદી જુદી રીતે બોધ યા નિર્ણય, તે નળીનો તે ઈંદ્રિયો સાથે સંબંધ થયો હોય તો જ થઈ શકે છે, જેમ પાણીનો નળ ખુલ્લો ન હોય તો પાણી બહાર આવતું નથી અથવા મૂળ પાણીના દ્વાર સાથે સંબંધિત ન હોય ત્યારે તેમાંથી પાણી બહાર આવતું નથી.

આ નળી તે મન છે. તે મન આત્મજ્યોતિ સાથે ઘણો જ નજીકનો સંબંધ ધરાવે છે. તે મન દ્વારા જ આત્મજ્યોતિનો પ્રકાશ આ શરીરોને પ્રબોધિત કરે છે, જાગ્રત રાખે છે. મન ઈંદ્રિયો સાથે જોડાયેલું નથી હોતું ત્યારે સાંભળવા, જોવા વગેરે ઈંદ્રિયોનાં કાર્ય થતાં નથી.

આ મનનો ઈંદ્રિયો સાથેનો સંબધ જ્યારે બંધ થાય છે ત્યારે નિદ્રા આવે છે, આ વખતે સ્થૂલ શરીર સાથેનો મનનો સંબંધ તૂટે છે, તેથી ઈંદ્રિયો સંબંધી કાંઈ બોધ તે વખતે થતો નથી,છતાં તૈજસ શરીર સાથે હજી મનનો સંબંધ રહેલો છે તેથી સ્વપ્નાઓ આવે છે. આ સંબંધ પણ તુટતાં તે મનનો કાર્મણ શરીર સાથે સંબંધ રહે છે એટલે ગાઢ નિદ્રા આવે છે.

આ કાર્મણ શરીરમાં લીન થયેલું – અજ્ઞાનમાં લીન થયેલું મન હવે કાંઈપણ સંકલ્પ-વિકલ્પની ચપળતા કરી શકતું નથી. આ પ્રસંગે મન આડો તો મહાન્ પડદો છે. કેવળ જ્યોતિ પ્રકાશી રહે છે. પણ તે કાર્મણના મલિન બંધનમાં જકડાયેલ હોવાથી હતી તેના કરતાં પણ વળી વધારે અંધકાર-અજ્ઞાનમાં રહેલી છે.

આ વખતે બહારના સમાચાર લાવનાર મનનો સંબંધ તૂટી ગયો હોવાથી અથવા બંધ થયેલ હોવાથી મુંગી શાંતિ જ હોય છે. પાછો તે મનનો જ્યોતિ પ્રકાશ સાથે સંબંધ જોડતાં જાગ્રત થયો એમ કહેવાય છે.

સ્થૂલ શરીર સાથેનો સંબંધ જોડાઈ જતાં ઈંદ્રિયોમાં ચૈતન્ય આવે છે. અને મનનો તેઓ સાથે સંબંધ થતાં પોતાના વ્યાપારોમાં ઈંદ્રિયો લાગી જાય છે. ઉજ્જડ કે શૂન્ય થયેલું આ દેહજગત્ પાછું સ્વસ્થ થઈ ચાલુ થઈ જાય છે.

ત્યારે સમ્યગ્દર્શન થયું કહેવાય

આ દૃષ્ટાંતે વિચાર કરતાં દેહ, ઈંદ્રિયો, મન એ સર્વનાં લક્ષણોથી આત્મજ્યોતિનું લક્ષણ કોઈ વિલક્ષણ યાને તદ્દન જુદું છે. અને તેઓ વચ્ચેનું આંતરું સહેલાઈથી સમજી શકાય છે. આવું ભેદજ્ઞાન અને આત્મજ્યોતિ તે હું એવું અભેદ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે સમ્યગ્દર્શન થયું કહેવાય છે.

(સમ્યગ્દર્શન)

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: