Now Reading
Sadhyabindu

Sadhyabindu

सम्यग्दर्शनशुद्धं यो, ज्ञानं विरतिमेव चाप्नोति।
दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म।।
जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिन् तथा प्रयतितव्यम्।।
कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः।।

તત્ત્વાર્થકારિકા

સમ્યગ્દર્શનપૂર્વક જે મનુષ્ય જ્ઞાન અને વિરતિને પ્રાપ્ત કરે છે, તે પોતાનો જન્મ દુઃખનું કારણભૂત હોવા છતાં સફળ કરે છે; ક્લેશો વડે સંકળાયેલા આ માનવ જન્મમાં તેવી (પ્રશસ્ત) રીતે કર્મયોગ આચરવો જેથી કર્મરૂપ ક્લેશનો (સદંતર) અભાવ થાય.’
જૈનદર્શનમાં શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકે सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः એ સૂત્ર વડે આત્માની સ્વતંત્ર મુક્તિ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રના વિશાળ માર્ગના અવલંબનવડે સાધ્ય ગણી છે; વ્યવહાર અને નિશ્ચયરૂપ સ્યાદ્વાદના વિશ્વવ્યાપી (Cosmic) સિદ્ધાંત વડે જૈનદર્શનનો રથ બે ચક્રો વડે ગતિમાન ગણેલ છે.

વ્યવહારથી સમ્યગ્દર્શન તે સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા છે, વ્યવહારથી સમ્યગ્જ્ઞાન તે ભાવશ્રુતરૂપ જિનાગમોનું જાણવાપણું છે, અને વ્યવહારથી ચારિત્ર તે શુભ આચારોમાં પ્રવર્તન છે; જ્યારે નિશ્ચયસમ્યક્ત્વ તે જડ અને ચૈતન્યની વહેંચણીની (ચૈતન્ય પ્રત્યે) અંતરાત્મા તરીકેની અચળ શ્રદ્ધા છે, નિશ્ચયજ્ઞાન તે જડ અને ચૈતન્યનાં ભિન્ન સ્વરૂપો અને પ્રકૃતિઓને જાણવાપણું અને તે જાણી કર્મપ્રકૃતિરૂપ જડ પદાર્થો ઉપર આત્માએ પુરુષાર્થ દ્વારા કેવી રીતે વિજય મેળવવો તે જાણી લેવાનું છે, અને નિશ્ચય ચારિત્ર તે વાસનાઓ ઉપર વિજય મેળવીને પોતાના આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાની છે.

શ્રદ્ધાબળ, જ્ઞાનબળ અને ચારિત્રબળ એ ત્રણે વ્યવહાર-નિશ્ચયમય ગણાય છે; આત્માની સ્વતંત્ર મુક્તિ ઈચ્છતા મનુષ્યે વ્યવહારમય જીવન સાથે નિશ્ચયબળવાળા જીવનને જોડી દેવું જોઈએ; તેથી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે – નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી ભવસમુદ્રનો પાર.

વ્યવહાર અને નિશ્ચય બન્ને નયોને ગૌણ-મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુનો યથાર્થ બોધ થાય છે અને શુભ કર્મયોગ વિસ્તાર પામે છે; જે વખતે વ્યવહારની મુખ્યતા હોય, ત્યારે નિશ્ચયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય, ત્યારે વ્યવહારની ગૌણતા હોય.

આ પ્રમાણે બન્નેય દૃષ્ટિઓમાં જે વખતે જેની જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ બીજી દૃષ્ટિનો તિરસ્કાર કે અપલાપ નહીં કરતા સમભાવની સાપેક્ષ દૃષ્ટિએ કરવામાં આવે છે, ત્યારે વસ્તુનો-તત્ત્વનો યથાર્થ અનુભવ થાય છે.

જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતો નથી તથા નિશ્ચયના અનુભવમાં મદદગાર થતો નથી, તે વ્યવહાર શુભ કે શુદ્ધ વ્યવહાર નથી; જો વ્યવહારને આપણે સુતરરૂપ માનીએ તો નિશ્ચય તેનાં બનેલાં કપડાંરૂપ છે; મતલબ કે વ્યવહાર કારણ છે અને નિશ્ચય કાર્ય છે – આ જૈનદર્શનના નયવાદનું રહસ્ય છે.

જીવો અનંત છે અને બધાં સુખને ચાહે છે; સુખની કલ્પના પણ બધાની સરખી નથી; છતાં વિકાસના (Evolution) ઓછા વધતા પ્રમાણમાં પ્રાણીઓના અને એમના સુખના સંક્ષેપમાં બે વર્ગ કરી શકાય છે.

પહેલા વર્ગમાં અલ્પવિકાસવાળા પ્રાણીઓનો સમાવેશ થાય છે, બીજા વર્ગમાં મનુષ્યજીવનવાળા અધિક વિકાસવાળા પ્રાણીઓ આવે છે, તેમાં પણ પુણ્યાનુબંધીપુણ્યના ઉદયથી આર્યકુલ, મનુષ્યજન્મ, પંચેંદ્રિયની સંપૂર્ણતા, જિનધર્મ, સદ્ગુરુસમાગમ અને સદ્જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રગતિ કરી રહેલા માનવો બાહ્ય અર્થાત્ ભૌતિક સાધનોની સંપત્તિમાં સુખ ન માનતાં ફક્ત આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિમાં જ સુખ માને છે અને તે આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિ માટે દાન, દયા, પરોપકાર, સત્ત્વપ્રેમ, સ્વાર્થત્યાગ, જિનભક્તિ, બ્રહ્મચર્ય, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રજ્ઞાન, તપશ્ચર્યા અને મનુષ્યસેવા વિગેરે સદાચારોથી, પોતાની અને પરની ઉન્નતિ માટે પ્રવૃત્તિશીલ રહે છે અને એ રીતે શુભ કર્મયોગી બને છે,

પહેલું સુખ પરાધીન છે જ્યારે બીજું સુખ સ્વાધીન છે; પરાધીન સુખને કામ અને સ્વાધીન સુખને ધર્મ કહેવાય છે; તેથી જ ધર્મનું વાસ્તવિક લક્ષણ છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપે કહેવામાં આવ્યું છે, તે શુભ કર્મયોગ કરતાં કરતાં સધાય છે, આત્મા ઘડાતાં ઘડાતાં તૈયાર થાય છે અને છેવટે શુદ્ધકર્મયોગમાં પલટાતાં સર્વકર્મથી મોક્ષ થાય છે – આ જાતનો વિકાસક્રમ (Evolution-theory) સર્વજ્ઞોએ પ્રબોધેલો છે.

મનુષ્યનું સાચું મહનીય જીવન આધ્યાત્મિક જીવન છે, જૈનદર્શનની પરિભાષા અનુસાર “આવીચિમરણ’ દરેક ક્ષણે પ્રત્યેક મનુષ્યમાં થઈ રહ્યું છે. મતલબ કે જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ પૂર્વબદ્ધ આયુષ્યની ક્ષણો ઓછી થતી જાય છે, આવી પરિસ્થિતિમાં જો કે બાહ્ય દશ પ્રાણો ધારણ કરતો મનુષ્ય જીવંત દેખાય છે, પરંતુ વિભાવદશામાં જેટલે અંશે જીવન વ્યતીત થતું હોય છે, તે વાસ્તવિક જીવન કહી શકાતું ન હોવાને અંગે આત્માભિમુખ જીવનને જ વાસ્તવિક જીવન કહેવામાં આવ્યું છે.

પ્રસ્તુત માનવ જન્મ કે જે પૂર્વપૂણ્યના પ્રાગ્ભારથી પ્રાપ્ત થયેલ છે તેની સફળતા તેને યોગ્ય સાધનોની પસંદગીમાં છે. પ્રત્યેક વસ્તુની સિદ્ધિમાં નિમિત્ત અને ઉપાદાન બે કારણો હોય છે. આત્મા એ ઉપાદાન કારણ છે અને શુભ કાર્યો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વિગેરે નિમિત્ત કારણો છે, સાધન તેવું સાધ્ય અને કારણ તેવું કાર્ય એ સૃષ્ટિના નિયમાનુસાર મનુષ્યે શુભ સાધનો મેળવી ક્રિયામાં ઉપયુક્ત થઈ તદનુસાર પુરૂષાર્થપૂર્વક સાધ્યબિંદુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.

(આનંદઘનપદ સંગ્રહ) પ્રસ્તાવના

 

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: