Now Reading
Sacho Hu

Sacho Hu

હું’ આ સંવેદન આત્માનું છે.
સંવેદનની શુદ્ધતા (પ્યોરિટી) પ્રગટે તો
આત્માની આત્મા દ્વારા ઉપલબ્ધિ થાય… “હું’ સાચા હું પર પહોંચે છે…
જ્યા વાસ્તવિક “હું’ નથી. ત્યાં “હું’ની સંવેદના એ અશુદ્ધ સંવેદના છે.
જેનાથી આત્મા પરમાં સ્વ-ઉપલબ્ધિનો ભ્રમ સેવે છે.
પોતાના અભાવમાં પોતાની હયાતી કલ્પે છે.
ખરેખર પોતે જેમાં ગેરહાજર છે તેમાં હાજર હોવાનો ભ્રમ કરે છે…

આ “હું’નું અશુદ્ધ-સંવેદન છે એને જ તો મુનિઓએ મિથ્યાત્વ કીધું છે.

જીવ પોતાના જ અશુદ્ધ સંવેદનનું જો બારીકાઈથી નિરીક્ષણ કરે તો ધીરે-ધીરે અશુદ્ધતાની જાણ થાય. મિથ્યાપણાનું ભાન થાય.

 

જે શરીરમાં હું નું સંવેદન થાય છે
એ સંવેદન શરીર કરે છે કે ચેતના કરે છે?
જે નામમાં હું નું સંવેદન થાય છે
એ સંવેદન નામ કરે છે કે ચેતના કરે છે?

ખ્યાલ આવશે કે સંવેદન ચેતના જ કરે છે.

તો જે સંવેદન કરે છે તે “હું’ છે કે પછી જેનું સંવેદન થઈ રહ્યું છે તે “હું’ છે?
ખરેખર તો જે સંવેદન કરે છે તે ચેતના જ “હું’ છે… કેમકે સંવેદનના વિષયો બદલાય છે છતાં “હું’ તો એક જ રહે છે… પરંતુ અનાદિથી અવળી આદત પડી ગઈ છે. પરને “હું’ રૂપે સંવેદવાની. આમ “હું’ ના અસલી અને નકલી એમ બે રૂપ થયા.

1) જે સંવેદન કરે છે તે ચેતના.
2) જેનું સંવેદન થાય છે તે વિભાવ દેહ વિ.

નકલી “હું’ નું સંવેદન નાશ પામે અને અસલી “હું’ નું સંવેદન ઉદિત થાય, તો ખરેખર એવા દર્શનને સમ્યગ્-દર્શન કહેવાય.

સમ્યગ્દૃષ્ટિ જીવ શરીરને સંયોગ રૂપે અનુભવે છે, સ્વરૂપ રૂપે નહીં.

નકલી “હું’ના સર્વ સ્થાનો સમ્યગ્દૃષ્ટિ જીવને “હું’ના સંવેદન માટે સ્વભાવતઃ હેય જણાય છે… કેવળ આત્મદ્રવ્યઉપાદેય લાગે છે… જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટતું નથી ત્યાં સુધી જિનવચનના આલંબનયુક્તિપૂર્વક શ્રદ્ધાને સ્થિર કરી બુદ્ધિમાં હેય-ઉપાદેયનો સંસ્કાર ઉતારવાથી બુદ્ધિમાં નકલી “હું’ રૂપે સંવેદાતા પદાર્થોને “હું’ના સંવેદન માટે હેય માનવાથી અને અસલી “હુંં’ રૂપે જે સંવેદ્ય છે એવા જ્ઞાયક ને “હું’ના સંવેદન માટે ઉપાદેય માનવાથી અવળા સંસ્કારો નાશ પામે છે… આમ વિકલ્પોથી વિકલ્પો તૂટે છે… ભાવનાથી ભાવમન શુદ્ધ થાય છે… ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે…

નકલી હું રૂપે સંવેદાતા પદાર્થો અવેદ્ય છે. અર્થાત્ પર હોવાથી હું રૂપે વેદવા લાયક નથી અને અવેદ્ય જ જે જીવો માટે સંવેદ્ય છે (સંવેદવાનો વિષય છે) એવા જીવોને “અવેદ્યસંવેદ્ય’ સ્થાને રહેલા કહ્યા છે. આ અવેદ્યસંવેદ્ય અવસ્થા મિથ્યાત્વમય જ કહી છે.

સમકિતી જીવોને જે વેદ્ય છે = શુદ્ધાત્મદ્રવ્ય (જ્ઞાયક) તે જ સંવેદ્ય છે. તેથી તેમને વેદ્યસંવેદ્ય સ્થાને રહેલા કહ્યા છે.

તેથી શુદ્ધ-સંવેદન એ ભાવધર્મ રૂપ છે.
શુદ્ધ-સંવેદનના પ્રાગટ્યને અનુકૂળ યોગ-વ્યાપાર વ્યવહાર ધમરૂપ છે. દ્રવ્યધર્મરૂપ છે.

અશુદ્ધ-સંવેદન એ ભાવ-સંસાર છે.
અશુદ્ધ-સંવેદનની ઉત્પત્તિને અનુકૂળ યોગવ્યાપાર દ્રવ્યસંસાર છે.

શુદ્ધ-સંવેદનનો વિષય જ્ઞાયક છે. તેની એકાંતિક અને આત્યંતિક ઉપાદેયતા જણાય તો વ્યવહારધર્મ પ્રગટે. તે વિના આૈપચારિક વ્યવહાર થાય. એ રીતે અશુદ્ધ-સંવેદનનો વિષય પર-પર્યાય છે. તેની ઉપાદેયતા હૃદયે હોય તો દ્રવ્યસંસાર પણ બરાબર પેદા થયા કરે છે અને ઉપાદેયતા ન હોય તો જે દેખાતો સંસારનો વ્યવહાર છે તે આૈપચારિક સંસાર રૂપ હોય છે.


૧. न चादृष्टात्मतत्त्वस्य दृष्टभ्रान्तिर्निवर्तते। - અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગ અધિકા
૨. भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः। 
तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः।।
- યોગબિંદુ-203
३. अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः।
पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम्।।
तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम्।
अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते।।
अवेद्यसंवेद्यपदं, विपरीतमतो मतम्।
भवाभिनन्दिविषयं, समारोपसमाकुलम्।।
- યોગદૃષ્ટિસમુચ્યય 72/74-75

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: