Now Reading
Parapruchha

Parapruchha

પ્રશ્ન : સર્વ આત્માઓ પર નિરપેક્ષ પ્રેમ/ચાહત થાય એ માટે શું વિચારવું જોઈએ?

ઉત્તર : ચાહત જ્યારે વ્યાપક બને છે ત્યારે તેમાંથી અપેક્ષા નીકળી જાય છે. અપેક્ષાના કિનારાથી મુક્ત ચાહતની નદી ફેલાયા જ કરે છે, ફેલાયા જ કરે છે. કિનારા જ તો નદીના વ્યાપને રોકતા હતા ને!

પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર પણ ચાહતની નદીને સમંદરમાં ફેરવશે.
પ્રભુએ કહ્યું છે : “सर्वजीवस्नेहपरिणामः साधुत्वम्.’ (દશવૈકાલિક સૂત્ર, હારિભદ્રી ટીકા) સર્વ આત્માઓ પ્રત્યેનો મૈત્રીભાવનો પરિણામ તે જ સાધુત્વ.

થાય કે, મારા પ્રભુ સ્નેહને આટલો ફેલાવવાનું કહે છે, તો એ બાજુ હું ડગ ભરું.
અને, ભક્તે તો ડગ જ ભરવાના છે. પછીની યાત્રા તો પ્રભુ પોતે જ કરાવરાવે છે.

ભગવદ્ગીતામાં બે પરસ્પર વિરોધી લાગે તેવાં સૂત્રો આવે છે :

उद्धरेद् आत्मनाऽऽत्मानम्।।
(પોતાની જાતે જ પોતાનો ઉદ્ધાર સાધક કરે.)
અને
तेषामहं समुद्धर्ता।।
(ભક્તોનો ઉદ્ધાર કરનાર હું છું.)

વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞા અહીં સરસ રીતે સમાધાન આપે છે : પહેલાં ભક્તે સંકલ્પ કરવો જોઈએ કે પોતે ભીતરી યાત્રા કરશે… આ સંકલ્પ – તીવ્ર ઝંખના સુધી ભક્ત / સાધકનું કર્તૃત્વ છે અને એટલે કહ્યું : उद्धरेद् आत्मनाऽऽत्मानम्। પછીનું કર્તૃત્વ પ્રભુનું છે : तेषामहं समुद्धर्ता

તો, મૈત્રીભાવના વિસ્તાર માટે પ્રથમ જોઈશે સાધકની ઈચ્છા, તીવ્ર ઝંખના અને પછી પ્રભુની કૃપા. (26-3-2019)

પ્રશ્ન : સાક્ષીભાવ એટલે શું?
ઉત્તર : સાક્ષી બનવું એટલે માત્ર જોનાર બનવું. ઘટનાઓ ઘટી રહી છે; તમે માત્ર એ જુઓ છો; તમને એની અસર નથી થતી; તો સાક્ષીભાવ.
ધારો કે, દૂર પર્વત પર આગ લાગી છે, 25 કિ.મી. દૂરથી – નીચેના કોઈ ગામથી – તમે એને જુઓ છો; તો એ આગની ગરમી તમે અનુભવતા નથી. પણ બાજુમાં જ સગડી હોય તો…?
માત્ર આગ દેખાય છે ત્યાં સાક્ષીભાવ છે. પણ ઘટનાની અસર થઈ ત્યાં સાક્ષીભાવ ખંડિત થઈ જાય છે. ઘટનાને કારણે રાગ, દ્વેષ થયા તો સાક્ષીભાવ ગયો.

ભક્તના લયમાં, સાક્ષીભાવ એટલે પ્રભુ-પ્રભાવિતતા. મયણા સુંદરી પાસે આ પ્રભુપ્રભાવિતતા / પ્રભુવચનપ્રભાવિતતા હતી. શ્રીપાળ કુમાર જોડે લગ્નબંધનથી બંધાવા તેઓ જઈ રહ્યાં છે, ત્યારે પરિસ્થિતિ કેવી તો અકળાવનારી હતી!

શ્રીપાળ રાસના રચયિતા મહર્ષિ મયણા સુંદરીના તે વખતના ચહેરા પર અને હૃદય પર શબ્દોનો કૅમેરો ફેરવી મઝાની છબી આલેખે છે : “મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ…’

મયણાના મુખની એક રેખામાં પણ ગ્લાનિ દેખાતી નથી. એના હૃદયમાં સહેજ પણ વિષાદ નથી…
કારણ શું?

રાસકાર મહર્ષિના શબ્દો છે; જે મયણાજીના ભાવોને સ્પષ્ટ કરે છે : “જ્ઞાનીનું દીઠું હુવે રે…’

જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જે જોયું છે, તે જ થઈ રહ્યું છે. તો પછી તેમાં વિષાદ શાનો?

આજે સાંજે છ વાગ્યે કઈ ઘટના તમારા જીવનમાં ઘટવાની છે, એ તમને ભલે ખબર નથી. પરંતુ અનંત કેવળજ્ઞાની ભગવંતોએ તો પોતાના જ્ઞાનમાં એ જોયેલ છે.

હવે અનંત જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં દેખેલ ઘટના ઘટશે, ત્યારે તમે ઘટના સામે લડશો કે ઘટનાને સ્વીકારશો?

કદાચ અપ્રિય ઘટના ઘટી છે, પણ એનો અસ્વીકાર થાય તો અનંત કેવળજ્ઞાની ભગવંતોના જ્ઞાનને આપણે ન સ્વીકાર્યુ એમ જ કહેવાય ને?

તમે સાક્ષી છો જ. માત્ર દૃષ્ટા. જોનાર…

શરીર ખાય છે કે શરીર પીએ છે પાણી કે ચા…

એ સમયે તમારે ભોજનના રસમાં નથી જવું. રસમાં ગયા અને ટેસ્ટી ચામાં રાગ થયો; ચા બરોબર તમારા ટેસ્ટની નથી, આવું માનીને તમને અણગમો થયો. તો તમારો સાક્ષીભાવ તૂટયો.

તમે માત્ર સાક્ષી/દ્રષ્ટા રહેશો તો રાગ-દ્વેષ ક્યાં છે?

આમાં પણ એક સરસ વાત પ્રેક્ટીકલી કરી શકાય તેમ છે; સાક્ષીભાવને ઉજાગર કરવા માટે.

તમે ચા પીવા બેઠા છો. ચા ટેસ્ટી છે. તમને આસક્તિ થઈ રહી છે. એ આસક્તિને જુઓ. આસક્તિ કરનાર મન છે. જોનાર તમે છો.

આ સંદર્ભમાં, હું બે મનની વાત કરું છું : સંજ્ઞાવાસિત મન, આજ્ઞાવાસિત મન. સંજ્ઞાવાસિત મન ચાને ટેસ્ટી પણ કહી દેશે. આજ્ઞાવાસિત મન કહેશે : તારે એમાં જવાનું નથી.

આજ્ઞાવાસિત મનને પ્રભાવશાળી બનાવો!
(16-3-2019)

પ્રશ્નકર્તા : મુનિ તત્ત્વયશવિજય

પ્રશ્ન : આપ વાચનામાં ગુરુવ્યક્તિ, ગુરુચેતના બે શબ્દો વાપરો છો. એનો સંદર્ભ સમજાવશો?
ઉત્તર : વ્યવહારના સમર્થક અને નિશ્ચયના પારદૃશ્વા, અનુભૂતિમાન સદ્ગુરુ માટે હું એક statement

આપતો હોઉં છું : ‘There’s the same fragnance and same taste in all the respected Gurus.’ (બધા જ પહોેંચેલા સદ્ગુરુઓમાં એક જ સરખી સુગંધ અને એક સરખો આસ્વાદ હોય છે.)

કારણ?

એમના હૃદયની વિભાવશૂન્યતામાં, એક પરમ રીતાપનમાં, પરમ ચેતનાનું અવકાશ ઊતરે છે. અને એથી દરેક આવા સદ્ગુરુઓમાંથી પ્રગટતી સુગંધ અને આસ્વાદ “તે’નો હોય છે : પરમ ચેતનાનો.

આ જ લયમાં સદ્ગુરુને આપણે બારી જેવા કહીશું.

એક બારીની પહેચાન શું? લોખંડની જાળી કે સ્ટીલની જાળી એ એની ઓળખ નથી. લાકડાના દરવાજા કે કાચના એ એની ઓળખ નથી. આપણે છતની નીચે અને ભીંતોની વચ્ચે હોઈએ ત્યારે અસીમ અવકાશ સાથે આપણને જોડે, તે સદ્ગુરુ.

ક્યારેક બારી અને કબાટ બહારથી સરખા દેખાતા હોય. તમે ખોલો, અને ભીંત તો કબાટ. ખોલો ને કશું નથી, તો બારી.

આ બારી સમા સદ્ગુરુ દ્વારા પરમ ચેતનાનો પ્રકાશ આપણને મળે.

હવે પ્રશ્નના સંદર્ભમાં જઈએ. ઉપર વર્ણવેલ છે તેવા સદ્ગુરુ આપણી તરફ ભલે ગુરુવ્યક્તિ હોય; આપણે તેમના પવિત્ર ઊર્જાથી છલકાતા દેહને જોઈએ છીએ. દેહને જોઈએ અને એ રીતે આપણે તેમને સદ્ગુરુ તરીકે પૂજીએ છીએ ત્યારે આપણે મન તે ગુરુવ્યક્તિ છે. એ કલાપૂર્ણસૂરિ દાદા હોય કે સિદ્ધિસૂરિ દાદા હોય.

પણ આપણા તરફ આપણે જેમને ગુરુવ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. તેઓ એમની તરફ ગુરુચેતના છે… કારણ કે પરમ ચેતના એમનામાં ઊતરેલ છે.

ગુરુવ્યક્તિ એક જ છે.. જ્યારે ગુરુચેતના તમામ અનુભૂતિમાન સદ્ગુરુઓમાં વિસ્તરેલી છે.
પછી, અપેક્ષાએ ગુરુચેતના અને પરમચેતના એકાકાર થયેલી સંઘટના લાગે. કારણ કે પરમચેતના જ ગુરુચેતનામાં અવતરિત થઈ છે ને! (3-7-2019)

પ્રશ્નકર્તા : મુનિ ધર્મરુચિવિજય

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: